મોરબી: શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ગણાતી નવયુગ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સર્જનાત્મકતા વિકસે તે હેતુસર ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ‘વિશ્વ વિજ્ઞાન દિવસ’ 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ આગામી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળાએ 20 ફેબ્રુઆરીના રોજ જ કાર્યક્રમ યોજ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ રહ્યો હતો.
આ વિજ્ઞાન મેળામાં શાળાની સવાર તથા બપોર પાળીના ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ છેલ્લા એકથી દોઢ મહિનાની મહેનત બાદ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અવનવા પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા. ‘વેસ્ટ કચરામાંથી વીજળી’ પ્રોજેક્ટ દ્વારા કચરાના યોગ્ય સંચાલન સાથે ઉર્જા ઉત્પાદન કેવી રીતે શક્ય બને તે દર્શાવવામાં આવ્યું હતું. ‘AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)’ વિષય પર વિદ્યાર્થીઓએ આધુનિક યુગમાં તેના ઉપયોગો, ફાયદા અને ભવિષ્યની સંભાવનાઓ રજૂ કરી હતી. ઉપરાંત ‘સોલાર રૂફટોપ કાર’ મોડેલ દ્વારા સૂર્ય ઊર્જાના ઉપયોગથી ચાલતી કારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે મુલાકાતીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી તેમની મહેનત, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારધારાને બિરદાવ્યા હતા. આ પ્રસંગે શાળાના સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો અને વાલીઓને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન મેળાએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વિકાસ કર્યો હોવાનો અનુભવ થયો હતો અને ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન અને નવીનતા પ્રત્યે વધુ રસ જાગ્રત કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









