મોરબી: પાટીદાર સમાજના હિતના મુદ્દાઓ પર સક્રિય રહેનારા પાટીદાર યુવા સેવા સંઘ અને આંદોલનકારી ટીમ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગ અંગે સરકાર દ્વારા વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવતા સંગઠન દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. સંગઠને જણાવ્યું હતું કે તેમની સતત રજૂઆતો અને પ્રયત્નોના પરિણામે સરકારે સુધારાની દિશામાં પગલું ભર્યું છે, જેના બદલ સમગ્ર આંદોલનકારી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવાયું છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારા બાદ હવે આગામી દિવસોમાં અન્ય બે મહત્વપૂર્ણ પડતર માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં પ્રથમ માંગ તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત લાગુ કરવાની બાબત છે. બીજી માંગ મુજબ UGC ના કાયદામાં એવો સુધારો કરવો જોઈએ જેથી કોઈપણ સમાજના વિદ્યાર્થીને અન્યાય ન થાય અને સર્વે માટે સમાનતા સુનિશ્ચિત થાય.
સંગઠનના આગેવાન મનોજ પનારા દ્વારા જણાવાયું હતું કે આ બંને માંગણીઓ અંગે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે. સાથે જ, સમાજમાં આ મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.








