બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા જ હજારો વિદ્યાર્થીઓના મનમાં એક અજાણી ચિંતા, અસમંજસ અને ભય જન્મ લે છે. દેશભરના અનેક ઘરોમાં એક અદૃશ્ય તણાવ છવાઈ જાય છે. પુસ્તકો ખુલ્લાં હોય છે, પરંતુ મન બંધ થઈ જાય છે. પ્રશ્નો સામે બેઠેલો વિદ્યાર્થી જવાબ લખવા કરતાં પહેલાં પોતાના ભય સાથે સંઘર્ષ કરતો હોય છે. આ દૃશ્ય આજે સામાન્ય બની ગયું છે અને એ જ સૌથી મોટી ચિંતા છે.
સમાજમાં વર્ષોથી એવી માન્યતા ગાઢ રીતે વણાયેલી છે કે જાણે બોર્ડની પરીક્ષા જ જીવનની દિશા નક્કી કરતી હોય.એક માર્કશીટ, થોડા આંકડા અને એક પરિણામ અને તેના આધારે વિદ્યાર્થીની કાબેલિયત, ભવિષ્ય અને આત્મવિશ્વાસ તોલવામાં આવે છે. પરિણામે, યુવા મન પર અનાવશ્યક દબાણ ઊભું થાય છે. અને આ દબાણ ઘણી વાર અભ્યાસ કરતાં વધુ નુકસાન કરે છે.
વાસ્તવિકતા એ છે કે પરીક્ષા મહત્વની છે, પરંતુ અંતિમ સત્ય નથી.
એક માર્કશીટ વ્યક્તિની સમગ્ર ક્ષમતાનો ન્યાય કરી શકતી નથી. પરીક્ષા માત્ર સ્મૃતિ, તૈયારી અને સમય વ્યવસ્થાપનનું મૂલ્યાંકન કરે છે, જ્યારે જીવન સાહસ, ધીરજ, આત્મવિશ્વાસ અને ફરી ઊભા થવાની શક્તિ તપાસે છે.
પરીક્ષા યાદશક્તિ તપાસે છે,પણ જીવન સમજશક્તિ માંગે છે.પરીક્ષા જવાબ પૂછે છે, પણ જીવન નિર્ણય માંગે છે.પરીક્ષા સમયબદ્ધ હોય છે,પણ જીવન સતત સંઘર્ષ છે.
આ સત્ય હોવા છતાં, ઘણા વિદ્યાર્થીઓ પરિણામને જીવન-મરણનો પ્રશ્ન બનાવી દે છે.ભય મનને બાંધી નાખે છે, વિચારશક્તિને ધીમું કરે છે અને આત્મવિશ્વાસને નબળો બનાવી દે છે.હકીકતમાં નિષ્ફળતાથી વધારે નુકસાન ભય કરે છે.ભય એ મનનો સૌથી મોટો દુશ્મન છે એ ક્ષમતાને દબાવી દે છે અને સફળતાની દિશા બદલી નાખે છે.
આનો અર્થ એવો નથી કે અભ્યાસ ન કરવો નહીં.. મહેનત અનિવાર્ય છે. તૈયારી જરૂરી છે. શિસ્ત જરૂરી છે.પરંતુ મહેનત સાથે શાંતિ, તૈયારી સાથે સંતુલન અને પરિણામ સાથે સ્વીકારભાવ હોવો એટલો જ આવશ્યક છે.
આ સમય વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તકોમાં માથું ખૂંસવાનો નથી, પરંતુ મનને શાંત રાખવાનો પણ છે. શાંતિથી કરેલું અભ્યાસ વધુ અસરકારક બને છે. આત્મવિશ્વાસ સાથે લખાયેલો જવાબ વધુ સ્પષ્ટ હોય છે. ગભરાટમાં કરેલી મહેનત ઘણી વાર અપેક્ષિત પરિણામ આપી શકતી નથી.
વિદ્યાર્થીએ પેપર લખતી વેળાએ એક જ વાત યાદ રાખવી જોઈએ “આ પરીક્ષા જીવન કે મરણનો પ્રશ્ન નથી.”આ વિચાર મનને હળવું કરે છે,હાથને સ્થિર રાખે છે અને બુદ્ધિને સંપૂર્ણ રીતે કાર્ય કરવા દે છે.જો પરિણામ અનુકૂળ આવે તો તે આનંદનો વિષય છે.પરંતુ જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે તો તે અંત નથી.નિષ્ફળતા એ ઠપકો નથી,એ તો દિશાસૂચક સંકેત છે. નિષ્ફળતા આપણને શીખવે છે કે ક્યાં વધુ મહેનત જોઈએ, ક્યાં નવી રીત અપનાવવી જોઈએ અને ક્યાં આપણે પોતાને વધુ સમજવાની જરૂર છે. ઇતિહાસ સાક્ષી છે કે અનેક મહાન સફળતાઓ નિષ્ફળતાના પગથિયાં ચડીને જ ઊભી થઈ છે.
આ સમયમાં માતા-પિતાની ભૂમિકા અત્યંત મહત્વની છે.તેમની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે તે પ્રેમમાંથી જન્મે છે. પરંતુ જો એ ચિંતા દબાણમાં બદલાય, તો બાળક તૂટી શકે છે. વિદ્યાર્થીઓએ માતા-પિતાની અપેક્ષાઓને બોજ નહીં, સહારો બનાવવો જોઈએ. ઘરનું વાતાવરણ જેટલું હળવું અને સકારાત્મક રહેશે, તેટલું મન મજબૂત રહેશે.
વિદ્યાર્થીઓ માટે એક સ્પષ્ટ અને સીધો સંદેશ છે કે તમારું મૂલ્ય તમારી માર્કશીટથી નક્કી થતું નથી. તમે પરિણામ નથી, તમે સંભાવના છો.પરીક્ષા એક પડાવ છે,જીવન આખી મુસાફરી છે.એક દિવસ,એક પેપર,એક પરિણામ તમારા સપનાઓની હદ નક્કી કરી શકતું નથી.
આથી, તમામ વિદ્યાર્થીઓને વિનમ્ર અપીલ કે ભયને નહીં, આત્મવિશ્વાસને જગ્યા આપો.મહેનત કરો, પરંતુ મનને તોડી નાંખશો નહીં.પરિણામ જે પણ આવે, તેને સ્વીકારીને ફરી ઊભા થવાની હિંમત રાખો.કારણ કે સાચી જીત માર્કશીટમાં નથી, સાચી જીત છે હાર પછી પણ ઉભા રહેવાની શક્તિમાં અને હંમેશા યાદ રાખજો જીવન પરીક્ષાથી ઘણું મોટું છે અને તમે તમારી પરીક્ષા કરતાં ઘણાં વધારે છો.
🖋️ડૉ. દેવેન રબારી
(સ્થાપક અને માર્ગદર્શક યંગ ઇન્ડિયા ગ્રુપ)











