મોરબી : આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. મોરબી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ડર કે ટેન્શન વિના પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ મોરબીની ઉમા વિદ્યાલય ખાતે પહોંચીને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને પેન આપીને પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 22870 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં પાડા પુલનું રિપેરિંગ કાર્ય ચાલુ હોવા છતાં, કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય અને સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તેની વિશેષ કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી છે. શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્રના સંકલનથી જિલ્લાના તમામ કેન્દ્રો પર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષાર્થીઓને ખાસ સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના જીવનમાં આ સમય માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વિદ્યાર્થીઓએ કોઈ પણ જાતના ગભરાટ વગર, શાંત મને અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી જોઈએ. આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતને યાદ કરીને સારા અક્ષરે પેપર લખી, ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
મહત્વનું છે કે મોરબી જિલ્લામાં ધોરણ 10માં 10 કેન્દ્રો પર કુલ 14,014 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 કેન્દ્રો પર 6,968 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 3 કેન્દ્રો પર 1,888 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 22870 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.












