મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલી લીલાપર પ્રાથમિક શાળા ૭૨ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ શાળાની સ્થાપના ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૪ના રોજ થઈ હતી. આ ગૌરવશાળી અવસરની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ ૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ (ઉદ્ઘાટન) કરવામાં આવશે. આ સાથે જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉચ્ચ અભ્યાસ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ગીતાંજલી પાર્ટી પ્લોટ, લીલાપર, મોરબી ખાતે યોજાશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેશે. આ ઉપરાંત મોરબીના જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી અને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અને પધારવા માટે સમસ્ત લીલાપર ગામ, લીલાપર પ્રાથમિક શાળા પરિવાર અને સમસ્ત ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ લીલાપર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.














