મયુર રાવલ હળવદ
હળવદ તાલુકાના ચુંપણી ગામે બનેલા હત્યાકાંડ મામલે મોરબીની સેશન કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ દંડની પણ સજા ફરમાવવામાં આવી છે.
દ્વારકા દર્શન બાદ મનદુઃખથી ઉદ્ભભવ્યો વિવાદ
કેસની વિગતો મુજબ ફરિયાદી ભરતભાઈ રામાભાઈ ઓળકીયાની ફરિયાદ અનુસાર તા. 26/03/2024ના રોજ ચુંપણી ગામના ઝાંપા પાસે હત્યાનો બનાવ બન્યો હતો. બનાવના ચાર દિવસ અગાઉ આરોપી ગણેશભાઈ અને મૃતક રામાભાઈ તથા તેમની પત્ની વાલીબેન અલગ-અલગ મોટરસાયકલ લઈને દ્વારકા દર્શન માટે ગયા હતા.
પ્રવાસ દરમિયાન આરોપી પાછળ રહી જતા મૃતકે તેની રાહ ન જોતા મનદુઃખ પેદા થયું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. મનમાં ખાર રાખી આરોપીએ મૃતકને પોતાની વાડીના શેઢે આવવાની મનાઈ કરી હતી.
ઝાંપા પાસે છરી વડે જીવલેણ હુમલો
ઘટનાના દિવસે ચુંપણી ગામના ઝાંપા પાસે આરોપીએ રામાભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. છાતી, પેટ અને ડાબી બાજુના પડખામાં જીવલેણ ઘા મારતા રામાભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દરમિયાન વાલીબેનને પણ બચાવ કરતી વખતે જમણા હાથની હથેળીમાં ઇજા પહોંચી હતી.
22 સાક્ષી અને 42 દસ્તાવેજી પુરાવા રજૂ
આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. તપાસ હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી.
કોર્ટ સમક્ષ 22 મૌખિક સાક્ષી અને 42 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આજીવન કેદ અને દંડની સજા
તમામ પુરાવા અને દલીલોને આધારે કોર્ટે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાને આઈ.પી.સી. કલમ 302 હેઠળ આજીવન કેદ તથા રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભર્યે વધુ બે માસની કેદ ભોગવવાનો હુકમ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત આઈ.પી.સી. કલમ 324 હેઠળ એક વર્ષની કેદ તથા રૂ. 1,000નો દંડ ફટકારાયો છે. દંડ ન ભર્યે વધુ 15 દિવસની કેદની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.











