મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 ના મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવતા અત્યાર સુધીમાં 88 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે, જ્યારે 634 જેટલા બાકીદારોને વોરંટ ઇસ્યુ કરી કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
મિલકત વેરા શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 26.54 કરોડ અને વિવિધ ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી 2.53 કરોડની આવક થઈ છે. કાર્યવાહી દરમિયાન 24 બાકીદારોએ સ્થળ પર જ વેરો ભરપાઈ કરી દેતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ 64 મિલકતો સીલ હેઠળ છે. આ ઉપરાંત, રહેણાંક મિલકતનો વેરો ન ભરનાર બે આસામીઓના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે.

બાકીદારો સાવધાન: નળ-ડ્રેનેજ કનેક્શન કપાશે અને 18% વ્યાજ લાગશે
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં જે રહેણાંક મિલકતોનો વેરો 10,000 થી વધુ બાકી હશે, તેમને રૂબરૂ કે મોબાઈલ દ્વારા વોરંટ આપીને નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી તેજ કરવામાં આવશે. આ સીલિંગ અને વોરંટની પ્રક્રિયા 31-03-2026 સુધી કાર્યરત રહેશે. વધુમાં, જે મિલકતધારકો સમયસર ટેક્સ નહીં ભરે તેમને 18% વ્યાજ પણ ચૂકવવું પડશે.
વેરો ભરવા માટેની સુવિધાઓ
નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે:
- ઓનલાઈન: મહાનગરપાલિકાની વેબસાઈટ https://mmcgujarat.in/ અથવા પ્લે સ્ટોર પરથી ‘Morbi Municipal Corporation’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકાશે.
- ઓફલાઈન: મુખ્ય કચેરી ખાતે રૂમ નં. 9 માં POS મશીન દ્વારા તેમજ 11 અલગ-અલગ ક્લસ્ટર ઓફિસો (નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીન ચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલમંદિર, શનાળા, રવાપર અને લીલાપર ગ્રામ પંચાયત) ખાતે સવારે 10:30 થી 4:00 સુધી વેરો સ્વીકારવામાં આવશે.
- શનિવારે પણ સુવિધા: 31 માર્ચ સુધી દર શનિવારે પણ મિલકત વેરો સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે.
તમામ મિલકતધારકોને વહેલી તકે વેરો ભરપાઈ કરી કાયદેસરની કાર્યવાહીથી બચવા અપીલ કરવામાં આવી છે.