મયુર રાવલ હળવદ
મહર્ષિ ગુરુકુલ – હળવદ ખાતે શિક્ષણની સર્વાંગી ઉજવણી
હળવદ, તા. ૦૨ માર્ચ ૨૦૨૬:
હળવદ સ્થિત મહર્ષિ ગુરુકુલ ખાતે સવારે 09:00 થી સાંજે 4:00 કલાક સુધી “એજ્યુકેશન ફેર–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ૫ વર્ષની પ્રતિબદ્ધતા અને નેતૃત્વના ઉપલક્ષમાં આયોજિત આ શિક્ષણ મેળાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો.
કાર્યક્રમનું આયોજન મહર્ષિ ગુરુકુલ કેમ્પસ, ગુજરાતી મીડિયમ વિભાગ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશન સ્ટેજ તથા પ્રિપેરેટરી સ્ટેજના વિદ્યાર્થીઓએ પોતાના સર્જનાત્મક અને જ્ઞાનપ્રદ પ્રદર્શનોથી સૌનું મન જીતી લીધું હતું.
સપ્તરંગી પ્રવૃત્તિઓથી લઈ રોબોટિક્સ સુધીનો વિશાળ વ્યાપ..
એજ્યુકેશન ફેરમાં વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ, જનરલ નોલેજ (જી.કે.) પ્રવૃત્તિઓ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, માતૃભાષા શિક્ષણ, કલા શિક્ષણ, કમ્પ્યુટર શિક્ષણ, ગણિત-ગમ્મત શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ અને સંસ્કૃતિદર્શનનો સમાવેશ થયો હતો.વિજ્ઞાનના પ્રયોગો, સંસ્કૃત શિક્ષણ તેમજ એ.આઈ. અને રોબોટિક્સ જેવી આધુનિક ટેક્નોલોજી આધારિત રજૂઆતો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. નાના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરી પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું હતું.
મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાલીઓએ બાળકોની સર્જનાત્મકતા અને શિક્ષણની નવીન પદ્ધતિઓને નજીકથી નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને શૈક્ષણિક ઊર્જાનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંધાણી, પ્રિન્સિપાલ, શિક્ષકો તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
“એજ્યુકેશન ફેર–2026” માત્ર એક પ્રદર્શન નહીં પરંતુ સર્વાંગી શિક્ષણના દ્રષ્ટિકોણને ઉજાગર કરતું પ્રેરણાદાયી આયોજન સાબિત થયું હતું.














