આધુનિક યુગમાં માનવ જીવન બહારથી અત્યંત સમૃદ્ધ દેખાય છે. વિકલ્પોની ભરમાર છે, સુવિધાઓનો અતિરેક છે, અને દરેક ક્ષેત્રે પ્રગતિના નવા દ્વાર ખુલ્યા છે. છતાં એક સૂક્ષ્મ સત્ય આપણને અશાંત કરે છે.મનુષ્ય જેટલો બહારથી સમૃદ્ધ બન્યો છે, એટલો અંદરથી ખાલી અનુભવતો ગયો છે. પ્રશ્ન એ નથી કે આપણે કેટલું મેળવ્યું છે; પ્રશ્ન એ છે કે શું આપણે પોતાને મેળવ્યા છે?
સ્વતંત્રતાનો અર્થ આજે “મને જે ગમે તે કરવું” એવો માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો શીખવે છે કે જે મનુષ્ય પોતાના મન અને ઇચ્છાઓનો સ્વામી નથી, તે બહારની કોઈપણ છૂટછાટ હોવા છતાં સ્વતંત્ર નથી. અસલી મુક્તિ બાહ્ય વિકલ્પોથી નહીં, પરંતુ આંતરિક સંયમથી જન્મે છે.
ભગવદ્ ગીતા કહે છે—“ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते,संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते।”
જ્યારે મન સતત વિષયો તરફ દોડે છે, ત્યારે સંગ જન્મે છે; સંગથી કામના અને કામનાથી અશાંતિ. ઇચ્છા પૂર્ણ થાય તો થોડો આનંદ, અધૂરી રહે તો અસંતોષ. આ ચક્ર મનને થકવી નાખે છે. તેથી જ ગીતા આગળ સંદેશ આપે છે.
“उद्धरेदात्मनाऽत्मानं नात्मानमवसादयेत्।”
મનુષ્યે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ. ઇચ્છાઓને અંધપણે અનુસરવાથી નહીં, પરંતુ તેને ઓળખીને અને નિયંત્રિત કરીને જ આત્મવિજય પ્રાપ્ત થાય છે.
ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે—
“ईशावास्यमिदं सर्वं… तेन त्यक्तेन भुञ्जीथा:”
આ જગત ઈશ્વરમય છે; ત્યાગભાવથી તેનો ભોગ કરો. અહીં ત્યાગનો અર્થ જીવનનો પરિત્યાગ નથી, પરંતુ અતિશય કામનાઓનો સંયમ છે. જ્યારે મનુષ્ય “મારે બધું જોઈએ”થી “મારે યોગ્ય અને જરૂરી જોઈએ” સુધી પહોંચે છે, ત્યારે તેની અંદર એક નવી શાંતિ જન્મે છે.
ઉપનિષદોનું એક મહાસૂત્ર કહે છે—
“यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः,
अथ मर्त्योऽमृतो भवति।”
જ્યારે હૃદયમાં રહેલી કામનાઓ શાંત થાય છે, ત્યારે મનુષ્ય અમૃતત્વનો અનુભવ કરે છે. આ અમૃતત્વ કોઈ શરીરનું નહીં, પરંતુ ચેતનાનું છે.અંતરની સ્થિરતા અને નિર્ભય આનંદનું છે.
સાચી સ્વતંત્રતા વિકલ્પોની બહુલતા નથી; તે ઇચ્છાઓ પર વિજય છે.સાચી સમૃદ્ધિ સંપત્તિમાં નથી; તે સંતોષમાં છે.સાચી ઉડાન પાંખો થી નથી; તે અંતરના વિશ્વાસથી છે.
આધ્યાત્મિકતા ભાગવાનું નામ નથી;તે જાગવાનું નામ છે. જીવનને છોડવાનું નહીં, પરંતુ જીવનને શિસ્ત અને જાગૃતિથી જીવવાનું નામ છે. સંયમિત ઇચ્છાઓ, જાગૃત ચેતના અને શાંત મન આ ત્રિવેણી મનુષ્યને અખંડ બનાવે છે.
આજની પેઢીને વધુ વિકલ્પોની નહીં, પરંતુ વધુ વિવેકની જરૂર છે. વધુ પ્રદર્શનની નહીં, પરંતુ વધુ પ્રામાણિકતાની જરૂર છે. જ્યારે મનુષ્ય પોતાના મનનો સ્વામી બને છે, ત્યારે બહારની પરિસ્થિતિઓ તેને હલાવી શકતી નથી.
તમારું જીવન પ્રલોભનોની ભીડમાં નહીં, પરંતુ મૂલ્યોની મજબૂતીમાં સ્થાપિત કરો. ઇચ્છાઓને દિશા આપો, મનને શાંત કરો અને આત્માને ઓળખો.ત્યારે જ જીવનમાં એક એવી ઉજાસ ફેલાશે, જે સમય, પરિસ્થિતિ અને પ્રભાવથી પર રહેશે.એ જ અસલી સ્વતંત્રતા છે.એ જ ચિરંજીવી આનંદ છે.
લેખક : ડૉ. દેવેન રબારી
સ્થાપક, યંગ ઇન્ડિયા ગ્રુપ











