મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ 27 એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી દાખવવા બદલ 16 ખાદ્યપદાર્થના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ચેકિંગ દરમિયાન વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગની ટીમે વાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડમાં તપાસ કરતા ત્યાં હાઈજીન મેન્ટેન ન થતું હોવાનું સામે આવ્યું હતું. તેમજ ત્યાંથી વધુ પડતો ફૂડ કલર અને વાસી બટર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત, મોરબી બાયપાસ રોડ પર આવેલી કૃષ્ણ કેમેલી હોટેલમાંથી પણ વધુ પડતો ફૂડ કલર અને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા ખાદ્યપદાર્થો મળી આવતા તેનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.











