મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રાજ્ય સરકારની જનકલ્યાણકારી પહેલ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી, જેને ધ્યાનપૂર્વક સાંભળી સ્થળ પર જ યોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યક્તિગત તેમજ જાહેર હિતના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ તકે ટંકારા-પાદરાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ નાગરિકોની રજૂઆતો સાંભળી અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની સેવાઓ સરળતાથી અને ઝડપી રીતે ઉપલબ્ધ બને તે હેતુસર સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચી તેમની સમસ્યાઓના ઉકેલ માટે સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે.

















