મોરબી : યુદ્ધની અસરથી અનેક પડકારો સર્જાતા પેકેજીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની એક મહત્વની મિટિંગ મળી હતી. જેમાં પેકેજીંગ ઉદ્યોગોએ આજ રોજ તા. 8થી બોક્સના ભાવમાં 8 ટકાનો વધારો લાગુ કરવાની જાહેરાત કરી છે.
હાલમાં ઈરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર પેપર મિલો પર પડી છે. વિદેશથી આવતા વેસ્ટ પેપરની સપ્લાય સંપૂર્ણપણે રોકાઈ ગઈ છે અને હાલ ઉદ્યોગો પાસે વેસ્ટ પેપરનો સ્ટોક પણ ઉપલબ્ધ નથી. ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કોલસાના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ તમામ પડકારોને કારણે પેપર મિલો સામે અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. જેને લીધે પેકેજીંગ ઉદ્યોગો પણ હાલાકી ભોગવી રહ્યા છે. પરિણામે પેકેજીંગ ઉદ્યોગે બોક્સના ભાવમાં 8 ટકાનો વધારો જાહેર કર્યો છે.
પેકેજીંગ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયા દ્વારા સિરામિક ઉદ્યોગના ગ્રાહકોને નમ્ર અપીલ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે, પેપરની અછત વધુ ન સર્જાય અને કોઈને આર્થિક નુકસાન ન જાય તે માટે સિરામિક ઉદ્યોગોએ પોતાની જરૂરિયાત મુજબ જ બોક્સના ઓર્ડર આપવા. ગ્રાહકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે વર્તમાન પરિસ્થિતિને સમજીને, નવા ભાવ કન્ફર્મ કર્યા બાદ જ ઓર્ડર આપે અને આ ભાવ વધારામાં પેકેજીંગ ઉદ્યોગને પોતાનો સાથ અને સહકાર પૂરો પાડે.










