મોરબી : આજે ૮ માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આ અવસરે મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી મા દ્વારા નારી શક્તિના સન્માનમાં એક પ્રેરણાદાયી વિડીયો સંદેશ જારી કરવામાં આવ્યો છે.
મહંત ભાવેશ્વરી માએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સતત જજૂમતી હોય છે. ઘરથી માંડીને અભ્યાસ, બિઝનેસ કે પછી કોઈપણ જાહેર ક્ષેત્ર હોય, મહિલાઓએ સતત સંઘર્ષ કરવાનો હોય છે. આ તમામ સંઘર્ષો વચ્ચે પણ જજૂમીને જે સફળતાની સીડી સર કરે છે, તે જ સાચી મહિલા છે.
વધુમાં તેઓએ ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા:’ શ્લોકને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનું પણ પૂજન થાય છે. નારી કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે, તે ‘શક્તિ’નું સ્વરૂપ છે અને આ જગત શક્તિ વિના ચાલી શકે તેમ નથી. ભારતની આ નારીના હાથમાં વેલણ પણ શોભે છે અને આસુરી તત્વોના નાશ માટે તલવાર પણ શોભે છે. આજના સમયની નારી એક મહાન ઉદ્યોગપતિ પણ બની શકે છે અને વેદ અભ્યાસની મર્મજ્ઞ પણ બની શકે છે.
અંતમાં તેઓએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર મહિલા જગતના લોકો ખૂબ પ્રગતિ કરે, મહિલાઓનું સતત સન્માન વધે અને તેઓ જીવનમાં ખૂબ આગળ વધે તેવી માં ભગવતી શક્તિને પ્રાર્થના કરી સૌને ‘જય સિયારામ’ પાઠવી મહિલા શક્તિને સલામ કરી હતી.











