મોરબી : મોરબી 65 માળિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો આજે 64મો જન્મદિવસ છે. કાંતિભાઈ છેવાડાના અને સામાન્ય લોકો સાથે જમીની સ્તરે જોડાયેલા નેતા તરીકેની આગવી ઓળખ ધરાવે છે. હાલમાં તેઓ કેન્સરની ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યા છે, તેમ છતાં જનતામાં તેમના પ્રત્યેનો અપાર પ્રેમ અને આદર અકબંધ છે. તેમના જન્મદિવસને સેવાકીય રીતે ઉજવવા માટે મોરબીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના 64મા જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના અને સામાન્ય લોકોથી લઈને તેમના સમર્થકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં અત્યાર સુધીમાં 150 થી વધુ રક્તની બોટલ એકત્ર થઈ ચૂકી છે અને હજુ પણ રક્તદાન કેમ્પ અવિરતપણે ચાલુ છે.
આ ઉપરાંત, ગાય માતાની સેવા માટે હંમેશા અગ્રેસર રહેતા કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસે મોરબી-માળિયાના કાર્યકર્તાઓ દ્વારા મોટા પાયે ગૌસેવા કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાયો માટે 2200 કિલો સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, મોરબી પાંજરાપોળ અને યદુનંદન ગૌશાળામાં કાર્યકર્તાઓ દ્વારા 5 થી 7 ગાડી જેટલો ઘાસચારો અર્પણ કરીને ગાયોને નીરણ કરવામાં આવી હતી.
કેન્સરની સારવાર વચ્ચે પણ કાંતિભાઈ અમૃતિયાના સમર્થકો અને મોરબીની જનતાએ તેમના દીર્ઘાયુ અને ઝડપી સ્વસ્થતા માટે કામના કરવાની સાથે, રક્તદાન અને ગૌસેવા જેવા ઉમદા કાર્યો થકી તેમના જન્મદિવસને ખરા અર્થમાં સાર્થક બનાવ્યો છે.













