મહેન્દ્રસિંહજી હોસ્પિટલ, ટાઉન હોલ અને મહેન્દ્રડ્રાઇવ રોડની પણ સ્થિતિ સુધારવાની માંગ
મોરબી: મોરબીને ભલે કોર્પોરેશનનો દરજ્જો મળ્યો હોય, પરંતુ શહેર તેની ઐતિહાસિક ઓળખ સમાન જૂની ધરોહરો ગુમાવી રહ્યું હોવાની રાવ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મોરબીના વિવિધ પ્રશ્નો અને સુવિધાઓના અભાવ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવાયું છે કે, મોરબીના મહારાજા દ્વારા દાનમાં આપવામાં આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલ બિલ્ડીંગની સ્થિતિ આજે અત્યંત દયનીય છે. મણીમંદિર બંધ હાલતમાં છે, બગીચાઓ ગાયબ છે અને ઝૂલતો પુલ તૂટેલો છે. કોર્પોરેશન દ્વારા આ ધરોહરોને નવી કરવા માટે કામગીરી ચાલુ છે, પરંતુ આ બધું તેની ઓરિજિનલ સ્થિતિમાં આવશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત શહેરનો ટાઉન હોલ પણ વાપરવા લાયક રહ્યો નથી અને મોરબીની મહેન્દ્ર ડ્રાઈવ તરીકે ઓળખાતા રોડની સ્થિતિ પણ ખરાબ છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, પુલ પર ઠેર-ઠેર પીપળા અને વડના ઝાડો ઉગેલા છે, જે કાપવાનો કોર્પોરેશન પાસે જાણે સમય જ નથી. કદાચ પુલને વધારે નુકસાન થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આઝાદી પહેલાના એરોડ્રામની વારંવાર માત્ર વાતો જ થાય છે, પરંતુ કોઈ સંતોષજનક પ્રગતિ થઈ નથી અને લોકોને સુવિધા મળતી નથી. રેલવે સુવિધા અંગે રોષ ઠાલવતા પત્રમાં જણાવાયું છે કે, એક સમયમાં મોરબીમાં ઘણી બધી ટ્રેનોની સુવિધા હતી, જ્યારે હાલમાં સમ ખાવા પૂરતી અઠવાડિયે માત્ર એક જ લાંબા અંતરની ટ્રેન મળે છે. મોરબીની એન્જિનિયરિંગ કોલેજના બિલ્ડીંગના રિપેરિંગ અને નવા કોર્સ ચાલુ કરવાની ફક્ત વાતો જ થાય છે, અમલવારી શૂન્ય છે.
એક સમયે ‘સૌરાષ્ટ્રના પેરિસ’ તરીકે ઓળખાતા અને ધમધમતા સુવિધાસભર મોરબીનું એકમાત્ર દરિયાઈ બંદર નવલખી હાલ માત્ર કોલસાની આવક પૂરતું સીમિત રહી ગયું છે. આઝાદી પછી મોરબીનો જે વિકાસ થવો જોઈએ તેના બદલે શહેર વિકાસમાં પાછળ જઈ રહ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. આ તમામ બાબતોને ટાંકીને કે.ડી. બાવરવા દ્વારા મોરબીની ઓળખ સમાન ઝૂલતા પુલને નવેસરથી યોગ્ય રીતે બનાવવા અને લોકોની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે.










