મોરબી : ૮ માર્ચ મહિલા દિવસના અનુસંધાને પીએમ પોષણ શક્તિ નિર્માણ (મધ્યાહન ભોજન) યોજના કર્મચારી સંઘ- મોરબી જિલ્લા દ્વારા મહિલા કર્મચારીઓની પીડા અને વેદનાને વાચા આપવા માટે શિક્ષણ મંત્રી રિવાબા આર. જાડેજાને કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન આ સંગઠન દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ૯૬,૦૦૦ કર્મચારીઓ પૈકી અંદાજે ૬૮,૦૦૦ જેટલી મહિલાઓ આ યોજનામાં કાર્યરત છે. જેમાં મોટાભાગની મહિલાઓ વિધવા કે ત્યકતા છે અને તેઓ રસોઈયા તરીકે માનદ સેવા આપે છે.
મુખ્ય માંગણીઓ
પેન્શન કે આર્થિક સહાય: નિવૃત્તિ બાદ બાકીનું જીવન પસાર કરવા માટે કોઈ પેન્શન કે ગ્રેચ્યુટીની જોગવાઈ ન હોવાથી, નિવૃત્તિ વખતે કોઈ ચોક્કસ લમ્પસમ રકમ કે પેન્શન મળે તેવી અલગથી યોજના બનાવવી.
સવેતન રજાની જોગવાઈ: મહિલાઓને પડતી મુશ્કેલીઓ (જેવી કે માસિક ધર્મ કે પ્રસૂતિ) ને ધ્યાને રાખીને ખાસ ત્રણ દિવસની સવેતન રજાની જોગવાઈ કરવી.
‘ભોજનમાતા’ તરીકે ઓળખ: નવી શિક્ષણ નીતિ અંતર્ગત રસોઈ કામ કરતી મહિલાઓને ‘રસોઈયા’ ના નામને બદલે માતૃત્વ ભાવ સાથે સન્માનજનક ‘ભોજનમાતા’ નું નામ આપવું.
ડ્રેસ કોડ: આ યોજનાની તમામ મહિલાઓને ડ્રેસ કોડ તરીકે વાર્ષિક બે જોડી સાડીની જોગવાઈ કરવી.
દુર્ઘટનામાં વળતર: રસોઈયા બહેનો સતત આગ સાથે કામ કરતી હોવાથી ગેસ કે કુકર ફાટવાના કિસ્સામાં મફત સારવાર અને અઘટિત ઘટનામાં મુખ્યમંત્રી સહાય યોજનામાંથી રૂપિયા ૪ લાખનું વળતર મળે તેવી જોગવાઈ કરવી.
આ રજૂઆત સંગઠનના મોરબી જિલ્લા પ્રમુખ બળવંતભાઈ મોહનભાઈ સનાળીયા અને જિલ્લા મહામંત્રી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી છે.











