મોરબી: વર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટલ કે પાર્ટીઓમાં કરતા હોય છે, ત્યારે મોરબીના રાજપરા અને સબાપરા પરિવારે દીકરીઓના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને નવી રાહ ચીંધી છે. યુરોપા સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાયેલા આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહેક પ્રકાશભાઈ રાજપરા અને હરીયાલીબેન મીતભાઈ સબાપરાના જન્મદિવસ પ્રસંગે યુરોપા સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ મોરબી ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં કુલ 75 રક્તદાતાઓએ રક્તદાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને મહેક તેમજ હરીયાલીબેનને જન્મદિવસની અનોખી શુભેચ્છા પાઠવી હતી.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં હર્ષદભાઈ રાજપરા, કેવલભાઈ સબાપરા, હિરલબેન સબાપરા અને પ્રકાશભાઈ રાજપરાએ જહેમત ઉઠાવી સહકાર આપ્યો હતો. રાજપરા અને સબાપરા પરિવાર દ્વારા દીકરીઓના જન્મદિવસે રક્તદાન જેવા પવિત્ર કાર્યનું આયોજન કરીને અન્ય પરિવારો માટે પ્રેરણા પૂરી પાડી છે. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ તેમજ યુરોપા સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો અને બંને દીકરીઓને ઉજજવળ ભવિષ્ય માટે આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી હતી.











