મોરબી : ગુજરાત રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૨૯ તાલુકા પંચાયતોની પાંચ વર્ષની મુદત ૧૬ થી ૧૯ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ રહી છે. જેને પગલે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ તમામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવાનો આદેશ ૧૬ માર્ચ ૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની મુદત ૧૭ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય સરકારના હુકમ મુજબ, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પંચાયતોની નવી બોડીની રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી મોરબી જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં વિવિધ અધિકારીઓને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં કોને વહીવટદારની જવાબદારી સોંપાઈ?
● મોરબી જિલ્લા પંચાયત: કલેકટર, કલેક્ટર કચેરી, મોરબી
● મોરબી તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, મોરબી
● માળિયા(મી) તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, હળવદ
● ટંકારા તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, મોરબી
● વાંકાનેર તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, વાંકાનેર
● હળવદ તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, હળવદ
આ સમયગાળા દરમિયાન નિયુક્ત કરાયેલા વહીવટદાર દ્વારા અગાઉની ચૂંટાયેલી પાંખ દ્રારા નિયમાનુસાર મંજૂર કરાયેલ કામો તેમજ આવશ્યક સેવાઓ જેવી કે પાણી, ગટર, વિજળી, સફાઇ વગેરેની કામગીરી સંભાળવાની રહેશે. જોકે, વહીવટદાર શાસન દરમિયાન કોઈપણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લઈ શકાશે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ હુકમમાં કરવામાં આવ્યો છે.










