મોરબી : મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કામગીરીમાં સહયોગ આપનાર તમામ સદસ્યો, કર્મચારીવર્ગ અને અન્ય રીતે યોગદાન આપનાર લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પંચાયતના વિકાસ કાર્યોમાં સહભાગી થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં એક અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયક ઘટના જોવા મળી હતી. મોરબી તાલુકા પંચાયત ખાતે છેલ્લા 35 વર્ષથી પણ વધુ સમયથી પટાવાળા તરીકે આઉટસોર્સમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દિલીપભાઈના લાંબા સેવાકાર્યની વિશેષ નોંધ લેવામાં આવી હતી. દિલીપભાઈની નિષ્ઠાવાન સેવાને બિરદાવવા અને તેમને સન્માન આપવા માટે તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સંયુક્ત રીતે તેમને એકટીવા બાઈક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં પ્રમુખના પરિવારજનો અને સ્નેહીજનોએ હાજરી આપી હતી.















