મોરબી : નગરજનોના આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના બજરંગ અખાડા ખાતે મોડર્ન જીમ ડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હાલ આ પ્રોજેક્ટની કામગીરી વેગવંત બની છે અને અંદાજે ૩૫% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે.
મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાના જણાવ્યા અનુસાર, અત્યારે જીમ બિલ્ડિંગના પ્રથમ માળના સ્લેબનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ આધુનિક જીમમાં નગરજનો માટે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આધુનિક કસરતના સાધનો: કસરત માટે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા સાધનો વસાવવામાં આવશે.
સુવ્યવસ્થિત બિલ્ડિંગ: જીમમાં યોગ્ય વેન્ટિલેશન અને આધુનિક લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રેનિંગ સુવિધા: યુવાનો અને નગરજનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ટ્રેનિંગની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.
સ્થાનિક સ્તરે જ ઉત્તમ જીમ સુવિધા મળી રહે તે માટે આ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તે શહેરના યુવાનો અને નગરજનો માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.











