મોરબીમાં જમીન કૌભાંડ આચરતી ટોળકીએ નાની વાવડીના ટ્રાન્સપોર્ટરને માણેકવાડા ગામે 10 વિઘા જમીન 1 કરોડ એક લાખમાં વેચાતી આપવાનું કહી દલાલ, જમીન માલિક અને વકીલ સહિતના પાંચ શખ્સોએ રૂ.75,75 લાખની રકમ લઈ દસ્તાવેજ નહિ કરી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા ઉ.37 નામના યુવકે આરોપી જમીન દલાલ અશોકભાઈ સવજીભાઈ મેરજા, સંદીપ માવજીભાઈ મેરજા, કેતન લાલજીભાઈ સંઘાણી, જમીન માલિક રાજેશ દેશાભાઈ ચૌહાણ અને લખધીરપુર રોડના નાકે આઈબીસી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા વકીલ અકીભાઈ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી અશોક મેરજાએ માણેકવાડા ગામે રાજેશ ચૌહાણની 10 વિઘા જમીન વેચાણ કરવાની હોય જમીન બતાવી 10,10 લાખમાં વિઘો જમીન વેચાણ કરવાની હોવાનું કહેતા ફરિયાદી મનીષભાઈને જમીન ગમી જટા કુલ રૂપિયા 1 કરોડ એક લાખમાં જમીન વેચાણ રાખવા નક્કી કરી બદલામાં તેમની ત્રણ દુકાન અને બાકીના રોકડા આપવા નક્કી કરી રૂ.75,75 લાખ આપ્યા હતા.
જો કે, મેલી મુરાદ ધરાવતા આરોપી દલાલ, જમીન માલિક અને વકીલે જમીનનો દસ્તાવેજમાં બીજો હોય, જૂની શરતમાં ફેરવવાની હોય તેમજ જમીન વેચનારના ભાઈ વાંધો લેશે તેવું કહી ઉછીના રૂપિયા આપેલ છે તેવા લખાણ કરાવી દસ્તાવેજ નહિ કરી આપી છેતરપીંડી આચરતા મનીષભાઈની ફરિયાદના આધારે વકીલ સહિતના પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.










