Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 1st સૌરાષ્ટ્ર યંગ થિંકર્સ મીટ યોજાઈ : યુવાનોએ સામાજિક જવાબદારી અને...

મોરબીમાં 1st સૌરાષ્ટ્ર યંગ થિંકર્સ મીટ યોજાઈ : યુવાનોએ સામાજિક જવાબદારી અને નેતૃત્વના પાઠ ભણ્યા

સમન્વય પ્રતિષ્ઠાન અને યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 1st સૌરાષ્ટ્ર યંગ થિંકર્સ મીટમાં સૌરાષ્ટ્રના 100 જેટલા તેજસ્વી યુવાનો જોડ્યા

મોરબી : સમન્વય પ્રતિષ્ઠાન અને યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબીના સંયુક્ત ઉપક્રમે તથા ઇન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી મોરબીના સ્કાય મોલ ખાતે 1st સૌરાષ્ટ્ર યંગ થિંકર્સ મીટ યોજાઈ ગઈ. આ કાર્યક્રમની મુખ્ય થીમ ‘રિસ્પોન્સિબલ યુથ ફોર યશસ્વી સૌરાષ્ટ્ર’ રાખવામાં આવી હતી, જેમાં 100 થી વધુ પસંદગી પામેલા સૌરાષ્ટ્રના યુવા ડેલિગેટ્સે ભાગ લીધો હતો.

ઉદઘાટન સમારોહ અને મહાનુભાવોનું પ્રેરક માર્ગદર્શન

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેનું સંચાલન જાડેજા સત્યરાજસિંહે કર્યું હતું. આ પ્રસંગે ડો. જીગર ઇનામદાર, ડો. દેવેન રબારી, ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા, અગ્રણી ઉધોગપતિ નિલેશભાઈ જેતપરિયા અને દિલીપભાઈ બરાસરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના વક્તવ્યમાં ડો. દેવેન રબારીએ યશસ્વી ભારત માટે વિચારશીલ અને જવાબદાર યુવાનોના ઘડતરની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં માત્ર શિક્ષિત અને કુશળ યુવાનો પૂરતા નથી, પરંતુ એવા યુવાનોની જરૂર છે જે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યભાવ ધરાવે, સકારાત્મક વિચારો સાથે કાર્ય કરે અને નેતૃત્વસ્વીકારવાની હિંમત રાખે.. ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયાએ ‘યુવા ધન’ ની તાકાત વર્ણવીને યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. ડો. જીગર ઇનામદારે યુવાનોને ‘વિચારક’ તરીકેની ઓળખ આપીને, વિચારોના બીજ વાવીને તેને યોગ્ય દિશામાં લઈ જવા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પ્લેનરી સેશન: ભગવદ્ ગીતાથી લઈને ફેમિલી બિઝનેસ સુધીનું જ્ઞાન

પ્રથમ સેશનમાં જાણીતા વક્તા અર્જુન દવેએ ભગવદ્ ગીતાના માધ્યમથી જવાબદાર નાગરિક કેવી રીતે બનવું તે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે શારીરિક ઉંમરથી નહીં પરંતુ ચેતનાથી યુવાન એવા ‘પરમ યુવા’ બનવા પર ભાર મૂક્યો હતો અને અભય, શિસ્ત તથા આંતરિક શુદ્ધિ જેવા ગુણોનું મહત્વ સમજાવ્યું હતું. બીજા સેશનમાં ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરિયાએ ફેમિલી બિઝનેસ વિશે વાત કરી હતી. તેમણે મોરબીના સિરામિક ઉદ્યોગનું ઉદાહરણ આપીને સામૂહિક વિકાસ, નેટવર્કિંગ અને નવી ટેકનોલોજી અપનાવી જોખમ ખેડવાની તૈયારી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું. આ મીટમાં બપોર બાદના સેશનમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ યુવાનોને લીડરશીપનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું અને એક સફળ નેતા તરીકે કેવી રીતે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકાય તેની પ્રેરણાદાયક વાતો યુવાનો સાથે શેર કરી હતી.

ગ્રુપ પ્રેઝન્ટેશન: 5 મુખ્ય પ્રાદેશિક સમસ્યાઓ પર મંથન

ગ્રુપ એક્ટિવિટી અંતર્ગત યુવાનોને 5 મુખ્ય વિષયો પર પ્રેઝન્ટેશન આપવા માટે વિભાજિત કરવામાં આવ્યા હતા. જેમાં ઔદ્યોગિક પ્રદૂષણ, MSME માં ટેકનોલોજીકલ પછાતપણું, યુવા બ્રેઈન ડ્રેન (સ્થળાંતર), સ્કીલ મિસમેચ અને સાંસ્કૃતિક વિમુખતાનો સમાવેશ થતો હતો. ડેલિગેટ્સે આ સમસ્યાઓના મૂળથી લઈને તેના વ્યવહારુ ઉકેલોની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી.

યુથ એસેમ્બલી (યુવા સંસદ): લોકશાહી સંવાદ અને પોલિસી પર ચર્ચા

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ‘યુથ એસેમ્બલી’ રહ્યું હતું, જેનું સંચાલન આદિલ બેલીમ અને મૃગાંક ત્રિપાઠીએ કર્યું હતું. જેમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સેશનમાં ડેલિગેટ્સે વિપક્ષની ભૂમિકા ભજવીને ઝીરો અવરમાં મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્નો, સાયબર ક્રાઈમ, પેપર લીક, બેરોજગારી, વિદ્યાર્થીઓમાં વધતો માનસિક તણાવ અને ગ્રામીણ વિકાસ જેવા સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેના શાસક પક્ષ તરફથી ટેલિ-માનસ જેવી સરકારી યોજનાઓ અને નીતિઓના સંદર્ભ સાથે સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

સમાપન સત્ર: ‘નિરોગી, સહયોગી અને ઉપયોગી’ બનવાનો મંત્ર

સમાપન સત્રમાં પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને ટાંકીને યુવાનોને એકાગ્રતા, મહત્વાકાંક્ષા, પ્રમાણિકતા અને દૃઢ નિષ્ઠા કેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને ‘નિરોગી, સહયોગી અને ઉપયોગી’ બનવાનો મંત્ર આપ્યો હતો. કાર્યક્રમના અંતે આદિલ બેલીમે તમામ વક્તાઓ, આયોજકો અને યુવાનોનો આભાર માન્યો હતો. દિલીપભાઈ બરાસરાના પ્રેરક વક્તવ્ય અને તમામ ડેલિગેટ્સને સર્ટિફિકેટ વિતરણ બાદ રાષ્ટ્રગીત સાથે આ 1st સૌરાષ્ટ્ર યંગ થિંકર્સ મીટનું ભવ્ય સમાપન થયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments