મોરબી શહેરમાં નહેરુગેટ પાસે બુટ – ચપલની લારી કાઢી જીવન ગુજારતા પિતા – પુત્રને આર્થિક જરૂરત પડતા અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લઈ તગડું વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરોએ બેંકના ચેક પડાવી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખતા બનાવ અંગે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખત્રીવાડમાં રહેતા અને નહેરૂ ગેટ પાસે બુટ-ચપ્પલની લારી ચલાવતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણે ચાર વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં સંજય ચુડાસમાએ રૂ.50,000 વ્યાજે આપી સામે 29 મહિનામાં રૂ.4.35 લાખ વ્યાજ વસૂલ્યું હતું. જ્યારે આરોપી ઇકબાલ પીંજારાએ રૂપિયા 1 લાખનું દરરોજ રૂપિયા 1,500 વ્યાજ વસૂલી બાદમાં તેના સાળા સબીર પીંજારા પાસેથી રૂપિયા 2 લાખ વ્યાજે લેવડાવ્યા હતા. જેમાં સબીરે રૂપિયા 2,000ના દૈનિક વ્યાજે 6 મહિનામાં 3.60 લાખ પડાવી લાખોની ઉઘરાણી ચાલુ રાખી હતી. આ ઉપરાંત આરોપી હેમંત આહીરે પણ રૂપિયા 20,000ની મુદ્દલ પરત આપી દીધી હોવા છતાં ફરીથી નાણાં માંગી લારીનો માલ ઉપાડી જવાની ધમકી આપતા દિલીપભાઈ ચૌહાણે ચારેય વ્યાજખોર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ચારેય વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.










