મોરબીનું હૃદય સમાન ગણાતા ઐતિહાસિક એલ.ઈ. ગ્રાઉન્ડની હાલત હાલ અત્યંત દયનીય બની ગઈ છે. અહીં અવારનવાર વિવિધ મેળા અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડની સફાઈ પ્રત્યે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાની બૂમો ઉઠી છે.
હાલમાં જ યોજાયેલા મેળા બાદ ગ્રાઉન્ડમાં ચારેબાજુ પ્લાસ્ટિક, કચરો અને લોખંડની ખીલીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સામાજિક કાર્યકર દ્વારા આ અંગે રોષ ઠાલવતા જણાવવામાં આવ્યું છે કે, સરકાર રોજગારી માટે આવી યોજનાઓ અને મેળાના આયોજનની છૂટ આપે છે તે આવકારદાયક છે, પરંતુ મેળાના સંચાલકો કે એજન્સીઓ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા કરી રવાના થઈ જાય છે.
આ ગ્રાઉન્ડમાં વહેલી સવારે વડીલો વોકિંગ માટે આવતા હોય છે અને યુવાનો ક્રિકેટ સહિતની રમતો રમતા હોય છે. કચરા અને ખીલીઓના કારણે રમતવીરો તેમજ વડીલોને ઈજા થવાનો ભય સતત સતાવી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા સફાઈ કરાવવામાં આવતી નથી. જો લોકો ક્યાંય કચરો નાખે કે વેપારીના દુકાન પાસે કચરો પડ્યો હોય તો મહાનગરપાલિકા દંડ આપે છે ત્યારે તંત્ર દ્વારા જ આ કચરો કરવામાં આવ્યો છે તો આને દંડ કોણ ફટકારશે તેવો લોકો સવાલ કરી રહ્યા છે. “અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવી સ્થિતિ વચ્ચે શું હવે મહાનગરપાલિકાનું તંત્ર જાગશે ખરું? તેવો સવાલ સામાજિક કાર્યકર અને સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.











