
સરકાર દ્વારા પેટ્રોલ પંપ પરથી માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરવાના કરાયેલા પરિપત્રને પગલે મોરબીના મીઠા ઉદ્યોગમાં મુશ્કેલી ઉભી થઈ છે. આ નિયમને કારણે મીઠાના ઉત્પાદન અને હેરફેર પર માઠી અસર પડવાની ભીતિ વ્યક્ત કરતા ‘મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન’ અને ‘જયદીપ એસોસિએટ્સ’ દ્વારા મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ પેટ્રોલ પંપ પરથી માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરવાની સૂચના અપાઈ છે. જોકે, મીઠાના એકમોમાં વપરાતા હેવી મશીનો જેવા કે હિટાચી, ફોર્કલિફ્ટ, મટીરીયલ હેન્ડલર અને જનરેટર જેવા સાધનો પેટ્રોલ પંપ સુધી જઈ શકતા નથી. આ સાધનો ચલાવવા માટે બેરલ કે નાના ટેન્કરો દ્વારા ડીઝલ લાવવું અનિવાર્ય હોય છે, પરંતુ નવા નિયમને કારણે પંપ સંચાલકો છૂટક ડીઝલ આપવાનું બંધ કરી રહ્યા છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે મીઠું એ જીવનજરૂરી ચીજવસ્તુ છે. જો પ્લાન્ટના મશીનો કે ટ્રેક્ટરો માટે ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો ઉત્પાદન પ્રક્રિયા અટકી જશે, જેના કારણે ઉદ્યોગો બંધ કરવાની નોબત આવી શકે છે અને હજારો શ્રમિકોની રોજગારી પર પણ જોખમ ઉભું થઈ શકે છે. આથી, ઉદ્યોગના પુરાવા સાથે લેટરપેડ રજૂ કરનાર એકમોને બેરલ કે નાના સ્ટોરેજ ટેન્કરમાં ડીઝલ આપવાની મંજૂરી આપવા માટે કલેક્ટરને તાકીદે અપીલ કરવામાં આવી છે.










