સત્ય, ધર્મ અને કર્તવ્યના માર્ગે ચાલવાનો સંદેશ આપતો પવિત્ર પર્વ
આજે દુનિયા પ્રગતિના શિખરો સર કરે છે, પરંતુ માનવતાના મૂલ્યો ખંડિત થવાની કગાર પર છે. સત્યને દબાવવાનો પ્રયત્ન થાય છે, પ્રમાણિકતા મૌન બને છે અને સદાચારને અશક્ત બનાવી દેવામાં આવે છે. આવા સમયમાં રામરાજ્યની કલ્પના માત્ર ઈતિહાસ નથી તે આજના યુગ માટે જીવંત આવશ્યકતા છે.
જ્યારે અધર્મ પોતાની સીમા વટાવે છે, ત્યારે ઈશ્વર માત્ર અવતરે નહીં પરંતુ સમાજને દિશા આપે છે. રામનવમી એ દિવસ છે, જ્યારે ભગવાન શ્રી રામે જન્મ લઈને માનવજાતને બતાવ્યું કે શક્તિ શાસનમાં નહીં, પરંતુ સંયમમાં છે; વિજય હિંસામાં નહીં, પરંતુ ધર્મમાં છે
ભગવાન શ્રી રામ એ એવા પુરુષ છે, જેમણે પોતાની ઈચ્છાઓને નહીં, પરંતુ કર્તવ્યને જીવનનું કેન્દ્ર બનાવ્યું .. પિતાની આજ્ઞા માટે રાજપાટનો ત્યાગ, પ્રજાની ભાવના માટે પોતાના સુખનો બલિદાન આ માત્ર કથાઓ નથી, આ જીવન જીવવાનો શાશ્વત ધર્મ છે.
મર્યાદા પુરુષોત્તમનો અર્થ માત્ર મર્યાદામાં રહેવું નથી, પરંતુ દરેક પરિસ્થિતિમાં ધર્મને અડગપણે જીવવું છે.આજે જ્યારે સમાજ સ્વાર્થ અને અહંકારની દોડમાં દોડે છે, ત્યારે રામ આપણને શીખવે છે “સાચી જીત એ છે, જ્યાં પોતાનું નહીં, પરંતુ સત્યનું વિજય થાય.”
મહર્ષિ વાલ્મીકિએ રચેલું રામાયણ કોઈ પુરાતન ગ્રંથ નથી; તે આજના યુગનો માર્ગદર્શક શાસ્ત્ર છે.જ્યાં નેતૃત્વ છે ત્યાં રામનો આદર્શ હોવો જોઈએ.. જયાં સમાજ છે ત્યાં રામનું ધર્મ હોવું જોઈએ અને જ્યાં મનુષ્ય છે.ત્યાં રામત્વ હોવું જ જોઈએ.આજની રામનવમી આપણને માત્ર શુભેચ્છા આપવાનું નહીં, પરંતુ પોતાને પ્રશ્ન પૂછવાનું આમંત્રણ આપે છે… શું આપણે રામના માર્ગે ચાલી રહ્યા છીએ?.. શું આપણું જીવન સત્ય અને કર્તવ્ય પર આધારિત છે?
જો નહીં તો આ જ ક્ષણથી સંકલ્પ લેવો પડશે।
ચાલો, આ પાવન દિવસે માત્ર પ્રાર્થના નહીં, પણ પ્રતિજ્ઞા કરીએ કે આપણે પોતાના જીવનમાં સત્યને જીવશું,ધર્મને નિભાવશું,અને સમાજમાં માનવતાનો પ્રકાશ પ્રગટાવશું
રામનવમી એટલે સંસ્કારનો સંકલ્પ, ધર્મનો દિશાસૂચક અને માનવતાનો મહોત્સવ
જય શ્રી રામ 🚩
— ડૉ. દેવેન રબારી
(સ્થાપક/માર્ગદર્શક – યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી)











