Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમનોરંજનની માયા સામે જ્ઞાનનો જાગૃતિમાર્ગ :ઊંચે ઉડવા માટે અંદર જાગવું જરૂરી છેક્ષણિક...

મનોરંજનની માયા સામે જ્ઞાનનો જાગૃતિમાર્ગ :ઊંચે ઉડવા માટે અંદર જાગવું જરૂરી છેક્ષણિક આનંદની ભીડમાંથી બહાર આવી, સ્વ-વિચાર અને જ્ઞાનથી જીવનને દિશા આપવાનો સમય

આજનો માણસ અજાણ્યા રીતે એક એવી દોડમાં દોડે છે, જ્યાં અંત નથી.ફક્ત થાક છે. મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રોલ થતી રીલ્સ, હાસ્યના ટૂંકા વિડિઓઝ અને ક્ષણિક આનંદ આપતી પ્રવૃત્તિઓ જીવનનો મોટો ભાગ બની ગઈ છે. માણસને લાગે છે કે તે આનંદમાં છે, પરંતુ હકીકતમાં તે માત્ર સમય પસાર કરી રહ્યો છે. મનોરંજન તેને થોડી ક્ષણો માટે હસાવે છે, પરંતુ એ હાસ્ય પાછળ ખાલીપણું છુપાયેલું રહે છે.

જ્યાં મનોરંજન આપણને વાસ્તવિકતાથી ભાગવું શીખવે છે, ત્યાં જ્ઞાન આપણને વાસ્તવિકતાનો સામનો કરવો શીખવે છે. મનોરંજન મનને શાંત કરે છે, પરંતુ જ્ઞાન મનને શક્તિશાળી બનાવે છે. આ તફાવત સમજવો એ જ જીવનનો પહેલો જાગરણ છે.

ભગવદ ગીતા કહે છે—“न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते” અર્થાત્, આ જગતમાં જ્ઞાન જેટલું પવિત્ર કંઈ નથી. છતાં પણ આજનો માણસ પવિત્રતાને છોડીને પ્રલોભન પાછળ દોડે છે. કારણ કે મનોરંજન સરળ છે અને જ્ઞાન માટે મહેનત કરવી પડે છે.

ભીડનો ભાગ બનવું આજકાલ ખૂબ સરળ બની ગયું છે. શું ટ્રેન્ડ છે, કોણ શું કરે છે એના આધારે જીવવું સહેલું છે. પણ શું એ જીવન છે? કે પછી માત્ર અનુસરણ? ઇતિહાસ ક્યારેય અનુસરણ કરનારા લોકોએ નથી રચ્યો. ઇતિહાસ તો તેઓએ રચ્યો છે જેમણે પોતાની અંદર પ્રશ્નો ઉઠાવ્યા, પોતાની જ માન્યતાઓને પડકાર્યા અને સત્ય શોધવાની હિંમત રાખી.

ઉપનિષદનો સંદેશ આજે પણ એટલો જ જીવંત છે— “उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत”
ઉઠો, જાગો અને શ્રેષ્ઠ જ્ઞાન મેળવો. પરંતુ આજે માણસ ઉઠે છે તો પણ જાગતો નથી, કારણ કે તેની ચેતના મનોરંજનના નશામાં સુઈ ગઈ છે.

મનુષ્ય પોતાના સમયને જ્યાં ખર્ચે છે, તે જ તેની જિંદગીનું પ્રતિબિંબ બને છે. જો સમય મનોરંજનમાં વીતે છે, તો જીવન ખાલી રહે છે. અને જો સમય જ્ઞાનમાં રોકાય છે, તો જીવન ઊંચાઈઓને સ્પર્શે છે. આ એક સાદું સત્ય છે, પરંતુ સૌથી વધુ અવગણાયેલું છે.

મનોરંજન ખોટું નથી, પરંતુ જ્યારે તે જીવનનું કેન્દ્ર બની જાય છે, ત્યારે તે માણસને અંદરથી ખોખલો બનાવી દે છે. આજે લોકો પાસે સમય નથી પુસ્તક વાંચવાનો સમય નથી, વિચારવાનો સમય નથી, પોતાને સમજવાનો સમય નથી. પરંતુ કલાકો સુધી સ્ક્રીન સામે બેસવાનો સમય છે. આ વિસંગતિ જ જીવનની સૌથી મોટી વિપરીત સ્થિતિ છે.

જ્યારે માણસ પોતાના વિચારોને પડકારવાનું શરૂ કરે છે, ત્યારે જ તે સાચા અર્થમાં જીવવા લાગે છે. નહીં તો તે માત્ર જીવતો દેખાય છે, અંદરથી મરતો રહે છે. જ્ઞાન એ દીવો છે, જે અંધકાર દૂર કરે છે. પરંતુ દીવો પ્રગટાવવા માટે પ્રયત્ન કરવો પડે અને આ જ પ્રયત્નથી આજનો માણસ ભાગે છે.

જીવનમાં સાચી સફળતા એ નથી કે તમે કેટલો આનંદ માણ્યો, પરંતુ એ છે કે તમે કેટલો અર્થપૂર્ણ જીવ્યા. ઇતિહાસ તે લોકોને યાદ રાખે છે, જેમણે પોતાના સમયને જ્ઞાનમાં ફેરવ્યો, પોતાના વિચારોને ક્રિયામાં ઉતાર્યા અને સમાજ માટે કંઈક નવું સર્જ્યું.

આથી, સમય છે એક ક્ષણ માટે થંભવાનો અને પોતાને પૂછવાનોશું હું માત્ર મનોરંજનમાં જીવુ છું? કે હું જ્ઞાન તરફ આગળ વધું છું? કારણ કે અંતે,મનોરંજન તમને ક્ષણિક રાહત આપશે,
પણ જ્ઞાન તમને જીવનભર દિશા આપશે.
પરંતુ આ પણ યાદ રાખવું જોઈએ કે જીવનમાં સૌથી મોટું પરિવર્તન બહારની દુનિયામાં નથી આવતું તે અંદરથી જન્મે છે. જ્યારે માણસ પોતાની સાથે સાચો સંવાદ શરૂ કરે છે, પોતાની ખામીઓને સ્વીકારી આગળ વધે છે અને સત્યને અપનાવવાની હિંમત રાખે છે, ત્યારે જ જીવનનો સાચો અર્થ ખુલવા લાગે છે.

જ્ઞાન માત્ર વાંચવાથી નથી મળતું તે અનુભવવાથી, વિચારવાથી અને જીવનમાં ઉતારવાથી જીવંત બને છે. અને જ્યારે જ્ઞાન જીવનનો ભાગ બને છે, ત્યારે માણસ માત્ર સફળ નથી બનતો, પરંતુ સાર્થક બની જાય છે.
દેવવાણી-૧૪
✍️ ડૉ. દેવેન રબારી
(સ્થાપક/માર્ગદર્શક – યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments