મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકના કારણે અચાનક નિધન થયું છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, કિશોરભાઈ ચીખલીયા મહેન્દ્રનગર વિસ્તારમાં સાંજે ચૂંટણીલક્ષી મુલાકાત માટે ગયા હતા. મુલાકાત દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી અને તેમને મેજર હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
કિશોરભાઈએ જીવનકાળમાં ચક્ષુદાન કરેલું હોવાથી તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. કિશોરભાઈ ચીખલીયા મિલનસાર સ્વભાવ અને લડાયક નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકીય જીવનમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત કારોબારી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી ચૂક્યા હતા. હાલમાં તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસની કમાન સંભાળી રહ્યા હતા.
ખાસ કરીને, આગામી પરમ દિવસે ૧ એપ્રિલે કિશોરભાઈ ચીખલીયાનો જન્મદિવસ હતો અને તેઓ ૫૯ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમના અચાનક નિધનથી પરિવારજનો અને સમર્થકોમાં વધુ વ્યથા અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. મોરબી જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનાવવામાં કિશોરભાઈ ચીખલીયાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હોવાનું માનવામાં આવે છે.











