શિક્ષણ ક્ષેત્રે ૫૦ વર્ષનું અનન્ય યોગદાન આપનાર પ્રવીણભાઈ કક્કડ
મોરબીના જુના અને જાણીતા જનતા કલાસીસના સંચાલક અને મોરબી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર નામ લેવાય તેવા પ્રવીણભાઈ કક્કડે શિક્ષણ ક્ષેત્રે સતત ૫૦ વર્ષ કાર્યરત રહી પોતાનું યોગદાન આપ્યું છે આજે તેઓએ શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવ્યાને ૫૦ વર્ષ એટલે કે અધધ ૫ દાયકાનું યોગદાન આપ્યું છે અને તેઓના યોગદાન થકી આજે અસંખ્ય વિદ્યાર્થીઓ પોતાની મંઝીલ અને સ્વપ્નને સાકાર કરવા સુધી પહોંચી ગયા છે
પ્રવીણભાઈ કક્કડ પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે વર્ષો પહેલાં જ્યારે મેં પ્રાઇવેટ ટ્યુશન દ્વારા પ્રથમ વિદ્યાર્થીને પાઠ ભણાવ્યો હતો, ત્યારે કદાચ મને ખબર નહોતી કે આ માર્ગ મારી જીવનયાત્રાનો સૌથી મહત્વનો માર્ગ બનશે. સમય સાથે ઘણા વિદ્યાર્થીઓ આવ્યા અને આગળ વધ્યા. કોઈ ડૉક્ટર બન્યા, કોઈ એન્જિનિયર બન્યા, કોઈ શિક્ષક બન્યા, તો કોઈ વેપાર ક્ષેત્રમાં આગળ વધ્યા. જ્યારે હું તેમને સફળ જીવન જીવતા જોઉં છું ત્યારે મને લાગે છે કે મારા જીવનની મહેનત વ્યર્થ નથી ગઈ.
શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકનો જ્ઞાન આપવું નથી; તે માનવીના સ્વભાવ, વિચાર અને સંસ્કારને ઘડવાની પ્રક્રિયા છે. એક શિક્ષક તરીકે હું હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છું કે વિદ્યાર્થીઓને માત્ર વિષયનું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં સાચા માર્ગે આગળ વધવાની પ્રેરણા પણ આપું.31 માર્ચે જ્યારે મારા 50 વર્ષના શૈક્ષણિક કાર્ય પૂર્ણ થાય છે, ત્યારે મારા મનમાં સૌથી વધુ કૃતજ્ઞતા છે – મારા વિદ્યાર્થીઓ પ્રત્યે. કારણ કે વિદ્યાર્થી વગર શિક્ષકનું અસ્તિત્વ શક્ય નથી.
આ લાંબી યાત્રામાં મને અનેક અનુભવો મળ્યા, અનેક સ્મૃતિઓ મળી અને સૌથી મોટું ધન મળ્યું – વિદ્યાર્થીઓનો પ્રેમ અને વિશ્વાસ.
મારે માટે શિક્ષણ કોઈ વ્યવસાય નહોતું, તે મારી સાધના હતી. અને આજેય મારા મનમાં એ જ ભાવ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જ્ઞાનનો દીવો પ્રગટતો રહે.
મારી આ અડધી સદીની શિક્ષણ યાત્રા માટે હું ઈશ્વરનો અને મારા તમામ વિદ્યાર્થીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
પ્રવિણભાઈ કક્કડ











