સંસ્કૃત ભાષામાં બોલચાલના શબ્દો, વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ વગેરેના વર્ગો ચલાવવામાં આવશે
હળવદ તક્ષશિલા સંકુલમાં સંસ્કૃત કક્ષ માટે રૂ. ૫૦ હજારની ગ્રાન્ટ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે યોજાયેલા અનુદાન વિતરણ કાર્યક્રમમાં હળવદ સ્થિત તક્ષશિલા સંકુલને સંસ્કૃત કક્ષના નિર્માણ માટે રૂ. ૫૦,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હા તેમજ બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલિવાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંસ્કૃત કક્ષમાં સંસ્કૃત ભાષાના બોલચાલના શબ્દો સાથે વેદ, ઉપનિષદ, ભગવદ ગીતા અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોના અભ્યાસ માટે વર્ગો યોજાશે. ખાસ કરીને નાના બાળકોમાં સંસ્કૃત પ્રત્યે રસ વધે અને તેઓ સુભાષિતો તેમજ ગીતા શ્લોકો કંઠસ્થ કરી શકે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે જણાવ્યું હતું કે આ ગ્રાન્ટથી ફ્લેશ કાર્ડ, લઘુ પુસ્તકાલય, શૈક્ષણિક ચાર્ટ, ચિત્રો અને પુસ્તકો ખરીદવામાં આવશે તથા વેકેશન દરમિયાન ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવશે. સંસ્કૃત કક્ષના સંચાલન માટે ચંદ્રિકાબેન માધર, ચરમારી સચિન અને સુરેશ વિડજાનીને કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મયુર રાવલ હળવદ












