સ્વાસ્થ્ય, સાર્થક કર્મ, સંવેદનશીલ સંબંધો અને માનસિક શાંતિ—આ ચાર પાયા પર ઉભી થાય સાચી સમૃદ્ધિની મજબૂત ઇમારત
આજના ભૌતિકવાદી યુગમાં ‘સમૃદ્ધિ’ શબ્દની વ્યાખ્યા અત્યંત સંકુચિત અને સીમિત બની ગઈ છે. મોટું ઘર, વિલાસી કાર અને અઢળક બેંક બેલેન્સને જ આપણે સફળતાનો પર્યાય માની લીધો છે. પરંતુ ગંભીરતાથી વિચારવા જેવો પ્રશ્ન એ છે કે, જે જીવનમાં આ બધું હોવા છતાં મન અશાંત હોય, શરીર રોગોનું ઘર હોય અને સંબંધોમાં માત્ર ખાલીપો વર્તાતો હોય, તો શું તેને સાચા અર્થમાં સમૃદ્ધિ કહી શકાય? વાસ્તવમાં, સાચી સમૃદ્ધિ એ બહારની ભભક કે ચમકમાં નથી, પરંતુ આત્માની પ્રસન્નતા અને ભીતરની પૂર્ણતામાં વસેલી છે. જીવનની ભવ્ય ઇમારત ત્યારે જ અડીખમ રહી શકે જ્યારે તેના ચાર પાયા—સ્વાસ્થ્ય, સાર્થક કાર્ય, સંવેદનશીલ સંબંધો અને માનસિક શાંતિ—મજબૂત હોય. આ પાયા વગરનું જીવન એ બહારથી સુંદર દેખાતી પણ અંદરથી પોલાણવાળી ઈમારત સમાન છે.
આપણી સંસ્કૃતિમાં ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહીને સ્વાસ્થ્યને પ્રથમ સંપત્તિ માનવામાં આવી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: “युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु | युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ||”અર્થાત્, જેનું ખાન-પાન, આચાર-વિચાર અને જીવનશૈલી સંતુલિત છે, તેના જ દુઃખ હરાય છે અને તે જ યોગી છે. શરીર તંદુરસ્ત હોય તો જ જીવનના ભૌતિક અને આધ્યાત્મિક આનંદ માણી શકાય છે, કારણ કે જો શરીર સાથ ન આપે તો તમામ સપનાઓ અધૂરા રહી જાય છે. સ્વાસ્થ્યની સાથે જ મહત્વનું પાસું છે ‘સાર્થક કાર્ય’. જીવન માત્ર શ્વાસ લેવા કે ધન એકઠું કરવા માટે નથી, પણ કંઈક અર્થપૂર્ણ સર્જન કરવા માટે છે. ગીતાનો નિષ્કામ કર્મનો સિદ્ધાંત “कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन” આપણને શીખવે છે કે જ્યારે આપણું કર્મ માત્ર કમાણી પૂરતું મર્યાદિત ન રહેતા સંતોષ અને સેવા સાથે જોડાય છે, ત્યારે તે જીવનને જીવવા જેવું બનાવે છે. જે કામ આપણને અંદરથી જીવંત રાખે, એ જ સાચી સમૃદ્ધિ તરફનો માર્ગ છે.
માનવ સામાજિક પ્રાણી છે, તેથી સંબંધોની મૂડી જીવનમાં અનિવાર્ય છે. ઋગ્વેદનો મંગલ સંદેશ છે: “संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् |”અર્થાત્, સાથે ચાલો, સાથે વિચારો અને મનથી એક બનો. આજના સમયમાં લોકો એક જ છત નીચે સાથે હોવા છતાં ભાવનાત્મક રીતે જોડાયેલા નથી. સંબંધોમાં જ્યારે સમય અને સંવેદનાનો અભાવ વર્તાય ત્યારે સાધન-સુવિધાઓ હોવા છતાં મન રિક્તતા અનુભવે છે. ખરેખર તો, જે વ્યક્તિ પાસે સુખમાં હસનારા અને દુઃખમાં સાથ આપનારા સ્વજનો છે, તે જ દુનિયાનો સૌથી ધનિક માણસ છે. આ તમામની ઉપરવટ સૌથી મૂલ્યવાન મૂડી છે ‘માનસિક શાંતિ’. ઉપનિષદોનો ઉદ્ઘોષ છે કે “शान्तिः परमं सुखम्”, એટલે કે શાંતિ એ જ પરમ સુખ છે. સોશિયલ મીડિયાના ઘોંઘાટ અને સ્પર્ધાના યુગમાં જો મન શાંત ન હોય, તો સર્વસ્વ હોવા છતાં જીવન નર્ક સમાન ભાસે છે. જે વ્યક્તિ પોતાના મનને સંભાળી શકે છે, તે જ સાચો વિજેતા છે.
નિષ્કર્ષરૂપે કહી શકાય કે સમૃદ્ધિ એ બહારથી એકત્ર કરવાની કોઈ વસ્તુ નથી, પરંતુ અંદરથી વિકસાવવાની એક નિરંતર પ્રક્રિયા છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે માત્ર કમાઈ રહ્યા છીએ કે સાચા અર્થમાં જીવનને માણી રહ્યા છીએ? શરીરને સમય આપવો, કાર્યમાં હેતુ શોધવો, સંબંધોને જીવંત રાખવા અને મનની સ્થિરતા જાળવવી—આ જ જીવનનો સાચો સંકલ્પ હોવો જોઈએ. જેની પાસે અઢળક સંપત્તિ છે પણ શાંતિ નથી તે ગરીબ છે, અને જેની પાસે જરૂરિયાત પૂરતું હોવા છતાં સંતોષ છે તે સાચો સમૃદ્ધ છે. અંતિમ સત્ય તો એ જ છે કે સમૃદ્ધિ એ નથી કે તમારી પાસે કેટલું છે, પણ એ છે કે તમે જે છો તેમાં તમે કેટલા પૂર્ણ અને તૃપ્ત છો.
દેવવાણી-૧૫
✍️ ડૉ. દેવેન રબારી
(સ્થાપક/માર્ગદર્શક – યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી)











