મોરબીમાં સેવા અને માનવતાના અભિગમ સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મોરબીને એક પત્ર લખીને દર્દીઓના હિતમાં મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોર પર વળતર આપવા અને ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી મળી રહે તેવી દવાઓ લખવા અપીલ કરાઈ છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવા દ્વારા IMA મોરબીના પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સમાજમાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. “જાગો ગ્રાહક જાગો” ના મંત્ર સાથે કામ કરતી સંસ્થાનો હેતુ માત્ર જાગૃતિ લાવવાનો જ નહીં, પણ પીડિત ગ્રાહકોને ન્યાય અપાવવાનો પણ છે. હાલમાં અનેક હોસ્પિટલોમાં પોતાના જ મેડિકલ સ્ટોર ઉપલબ્ધ હોય છે, ત્યારે
આ સ્ટોર્સ પર આવતા દર્દીઓને દવામાં વ્યાજબી વળતર (ડિસ્કાઉન્ટ) આપીને માનવતાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. વધુમાં પત્રમાં જણાવાયું છે કે, ડોક્ટરની પદવી એ માત્ર બિઝનેસ નથી પણ સેવાનું કાર્ય છે. ડોક્ટરો એવી દવાઓ લખવાનો આગ્રહ રાખે જે ગામડાના સામાન્ય મેડિકલ સ્ટોર પર પણ સરળતાથી મળી રહે, જેથી અંતરિયાળ વિસ્તારમાંથી આવતા ગરીબ દર્દીઓને ફરીથી ધક્કો ન ખાવો પડે. મેહુલ ગાંભવાએ પત્રમાં ખાસ નોંધ્યું છે કે, ડોક્ટર એ બિઝનેસમેન નથી પણ પીડા હરનાર ‘વૈદ્ય’ છે. મોરબીના તબીબો હંમેશા પોતાની સેવા માટે જાણીતા રહ્યા છે, ત્યારે આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ ડોક્ટરની પદવીની ગરિમા વધુ ઉજ્જવળ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.











