મોરબી: દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અનેદિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ-કંડાઘાટના નેજા હેઠળ ઓલ ઈન્ડિયા ઇન્ટર DWPS જુનિયર ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 2 થી 5 એપ્રિલ દરમિયાન હિમાચલ પ્રદેશના નૌની ખાતે આવેલી ડો. યશવંત સિંહ પરમાર યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જેમાં 5 રાજ્યોની અંડર-15 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં DWPS Morbi ની ટીમે ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને નોઈડાની ટીમને 4 વિકેટથી પરાજિત કરી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આ જીત બાદ ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો.ઇનામ વિતરણ સમારોહમાં દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશનના ઓપરેશન્સ હેડ ઉમર ખુર્શીદ, ડિરેક્ટર જયવંત જોયલ વોલ્ટર અને પ્રિન્સિપાલ રૂપાલી શાહ સહિત આગેવાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મોરબીના મુખ્ય કોચ ડો. અલી ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ દિવ્યા જોટાનિયાને પ્લેયર ઓફ ધ સિરીઝ, વર્ચસ્વ શર્માને ફાઇનલનો મેન ઓફ ધ મેચ અને ધવલ ખરેને ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ આયોજન અંગે માહિતી આપતા ડો. અલી ખાને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય છે અને આગામી સિનિયર સીઝન નવેમ્બર મહિનામાં અજમેર ખાતે યોજાશે.











