મોરબીમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ભરતનગર – બેલા ખોખરા હનુમાન રોડ પર આવેલા ખોડિયાર કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ એક દુકાનને નિશાન બનાવી છે. ગત 7 તારીખના રોજ મેલડી કૃપા રિવાઇન્ડિંગ નામની દુકાનમાંથી તસ્કરો આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખોડિયાર કોમ્પ્લેક્ષમાં વિવેક પટેલની માલિકીની મેલડી કૃપા રિવાઇન્ડિંગ નામની દુકાન આવેલી છે. આ દુકાન અજાણ્યા તસ્કરો ધારદાર હથિયારો સાથે ત્રાટકયા હતા. તસ્કરો 120 કિલો કોપર વાયર, 1 સબમર્સિબલ પંપ, 5 કાર્ટૂન બેરિંગ અને 1 હાઇડ્રોલિક પુલરની ચોરી કરી ગયા છે. ચોરી થયેલા આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત 1,50,000 થી 2,00,000 રૂપિયા જેટલી થવા જાય છે. આ ચોરીના બનાવ અંગે દુકાન માલિક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.











