મોરબી : ટંકારાના છતર GIDCમાં 1.17 કરોડના દારૂ પ્રકરણમાં 3 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. ગોડાઉન ભાડે રાખી 1.17 કરોડનો દારૂ ઉતારનાર ગોડાઉન માલિક પ્રિન્સ ઝાલરીયાને મોરબીથી દબોચી લઈ ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.રાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી. અગાઉ ટંકારા તાલુકાના છતર GIDC માં પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખીને તેમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો હતો. પોલીસે તે સમયે રેડ કરીને ગોડાઉનમાંથી 64,42,800 રૂપિયાની કિંમતની 4956 ઇંગ્લિશ દારૂની બોટલો અને 27,60,000 રૂપિયાની કિંમતના 27,600 પ્લાસ્ટિકના ચપલા જપ્ત કર્યા હતા. અન્ય મુદ્દામાલ મળીને કુલ 1,17,22,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને તે સમયે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન ગોડાઉન માલિક પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા (ઉંમર 22, ધંધો વેપાર, રહે. નાની વાવડી ગામ, ભગવતી પાર્ક સોસાયટી, હનુમાન મંદિરની બાજુમાં, મોરબી) નાસી છૂટ્યો હતો. તે મોરબી ખાતે હોવાની હકીકતના આધારે પોલીસે તેને પકડી પાડ્યો છે અને તેની અટકાયત કરી રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા, PSI જે.કે.રાણા, PSI એસ.એન.સગારકા અને ટંકારા પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.











