મોરબી: પીને વાલો કો પીને કા બહાના ચાહીએની જેમ થર્ટી ફર્સ્ટની રાત્રે અને નવા વર્ષના પ્રથમ દિવસે મોરબીનું યુવાધન નશામાં ચૂર જોવા મળ્યું હતું. રાતભર જાગીને પોલીસે અનેક પીધેલાને પકડીને નશો ઉતારી દીધો હતો પણ નશાખોર ભાન ભૂલ્યા હતા કે બે જગ્યાએ જાહેરમાં નશાની હાલતમાં જોવા મળતા દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા.
મોરબના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ સામે રોડ પર યુવાન નશામાં ધૃત હાલતમાં જોવા મળ્યો હતો. રોડ પર બિન્દાસ્ત આરામ ફરમાવતો યુવાન નશાબંધીના લીરા ઉડાવી રહ્યો છે .31 ડિસેમ્બરના આખી રાતના પોલીસના જાગરણ બાદ પણ નશાખોર બેફામ બન્યા હતા. મોરબીમાં વધુ એક દારૂડિયો સામે આવ્યો હતો. વીસી ફાટક પાસે નશાની હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર પહેલા આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં દારૂડિયાએ હોસ્પિટલ માથે લીધી હતી.સિવિલ હોસ્પિટલમાં હાજર રહેલા સ્ટાફ અને લોકો દ્વારા દારૂડિયાને પકડી સારવાર કરાવી હતી. સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાના આતંક વચ્ચે હોમગાર્ડ જવાનો પણ ગેરહાજર જોવા મળ્યા હતા.
