મોરબી : સિરામિક નગરી મોરબીમા દરરોજ 1000થી વધુ ટ્રકની અવર જવર રહે છે ત્યારે લાંબા સમયથી હોટલમાં કે હાઇવે ઉપર પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલ અને બેટરી ચોરીની અનેક ઘટનાઓ વચ્ચે હવે ટ્રક ચાલકોને લૂંટવા ડીઝલ લૂંટારું ગેંગ સક્રિય બની હોય તેવી એક ઘટનામાં સ્કોર્પિયોમાં આવેલ ત્રણ શખ્સોએ ચાર ટ્રકમાંથી છરીની અણીએ 750 લીટર ડીઝલની લૂંટ કરતા ચકચાર જાગી છે.
ડીઝલ લૂંટની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામે પટેલ વિહાર હોટલની બાજુમાં આવેલ વિજય ટ્રાન્સપોર્ટ નજીક ગત તા.3ના રોજ રાત્રીના ત્રણેક વાગ્યે જીજે – 12 – સીજી – 2218 નંબરની સ્કોર્પિયોમાં આવેલ ત્રણ શખ્સોએ ફરિયાદી ટ્રાન્સપોર્ટર સંજયભાઈ ગોવિંદભાઇ ચાવડા રહે. રાજકોટ વાળાના બે ટ્રકના ડ્રાઈવર, સાહેદ પ્રવીણભાઈ દલસાણીયાના ટ્રક ડ્રાઇવર તેમજ સોરિસો સિરામિક પાસે પાર્ક કરેલા ટ્રક ટ્રેલરના ડ્રાઈવરને છરી બતાવી ડરાવી ધમકાવી ટ્રકની ટાંકીઓમાંથી 750 લીટર ડીઝલ કિંમત રૂપિયા 67,500ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ડીઝલ લૂંટની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે સ્કોર્પિયો નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.