મોરબીમાં ચાઈનીઝ દોરી પકડવા પોલીસના ઠેરઠેર દરોડા, 69 ફિરકા સાથે 6 આરોપીઓ પકડાયા
મોરબી : મોરબી શહેર જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરો વેચવા અને ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા છતાં અનેક સ્થળોએ ચાઈનીઝ દોરી વેચાઈ રહી હોવાથી મોરબી શહેરમાં પોલીસે અલગ અલગ છ દરોડા પાડી ચાઈનીઝ દોરીના 69 ફિરકા કબ્જે કરી ચાઈનીઝ દોરી વેચાણ આપનાર વેપારીઓના નામ પણ ખોલાવી છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે સિપાઈવાસમાં દરોડો પાડી આરોપી મહેબૂબ તૌફિક ખોખર નામના શખ્સને ચાઈનીઝ દોરીની 11 ફીરકી કિંમત રૂપિયા 7150 ઝડપી લેતા દોરીના આ ફિરકા અનવર અહેમદ વડગામા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા અનવરઅહેમદને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. બીજા દરોડામાં પોલીસે અનવર હાજીભાઈ વડગામાંને સિપાઈવાસમાંથી 29 કિંમત રૂપિયા 18,850 ફીરકી સાથે ઝડપી લેતા આરોપીએ ચાઈનીઝ દોરીની આ ફીરકી આરોપી વિપુલ હસમુખ હીરાણી રહે.સવાસર પ્લોટ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે સિપાઈવાસમાં દરોડો પાડી આરોપી ફૈજલ હનીફભાઈ પઠાણ નામના શખ્સને ચાઈનીઝ દોરીના 13 ફિરકા કિંમત રૂપિયા 8450 સાથે ઝડપી લીધો હતો.આ આરોપીએ પણ સાવસર પ્લોટમાં રહેતા વિપુલ હસમુખભાઈ હીરાણી પાસેથી દોરો મેળવ્યાની કબૂલાત આપી હતી. ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી વિપુલ રઘુભાઈ મંદરિયાને ચાઈનીઝ દોરીની 3 ફીરકી કિંમત રૂપિયા 600 સાથે પકડી પાડયો હતો.
જ્યારે પાંચમા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખાતેથી આરોપી જીગ્નેશ જગદીશભાઈ માજુશા નામના યુવાનને ત્રણ ચાઈનીઝ દોરીની ફીરકી કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ છઠ્ઠા દરોડામાં આદર્શ સોસાયટીમાંથી આરોપી સચિન રાજેશભાઈ વરાણીયા નામના યુવાનને ચાઈનીઝ દોરના 10 ફિરકા કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લેતા ચાઈનીઝ દોરો જે.કે. ટોયઝના માલિક વિપુલભાઈ પાસેથી ખરીદ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ બીએનએસ કાયદા અને જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
