માળીયામાં ગૌ હત્યાના વિરોધમાં ગૌ પ્રેમીઓનું નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન
ગૌ પ્રેમીઓએ મોટી સંખ્યામાં મામલતદારને આવેદન આપી ગૌ હત્યા બંધ ન થાય તો રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી
મોરબી : માળીયા તાલુકાના ચીખલી ગામે હિન્દૂ ધર્મ માટે પૂજનીય ગણાતી અનેક ગૌ માતાઓની હત્યા થયાનું બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગૌ હત્યાના બનાવના વિરોધમાં ખાખરેચી ગામના લોકોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશને ઉમટી પડી અધિકારીઓને આવેદન આપી ગૌ હત્યા બંધ કરાવોની ઉગ્ર નારેબાજી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગૌ પ્રેમીઓએ મોટી સંખ્યામાં મામલતદાર અને પોલીસને આવેદન આપી ગૌ હત્યા બંધ ન થાય તો રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
માળીયાના ખાખરેચી ગામના સમસ્ત ગ્રામજનો અને સમસ્ત ગૌ પ્રેમીઓએ મામલતદાર અને પોલીસને આપેલા આવેદન આપીને જણાવ્યું હતું કે, માળીયાના ચીખલી ગામે વાઈલ્ડ લાઈફ અભ્યારણમાં ગેરકાયદે ગૌ માતાની હત્યા થઈ રહી છે. કેટલાક શખ્સો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગૌ હત્યા કરીને ગૌ માસ વેચી નાખે છે.જેમાં તાજેતરમાં માળીયાના ખાખરેચી ગામના માલધારીઓની ગાયો આરોપીઓએ ચરાવવાના બહાને લઈને કતલ કરી નાખી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક્શનમાં આવી આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આ આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે.જ્યારે સરકાર એમ કહે છે કે, ગાય એ માત્ર પ્રાણી નહિ પણ સંસારનો પ્રાણ છે.જે વ્યક્તિ ગાયની દયા નહિ ખાય, સરકાર એની દયા પણ નહીં ખાય એટલે ગૌ માતા હિન્દૂ ધર્મનું સર્વસ્વ છે. ગુજરાતમાં વર્તમાન સમયમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા મુજબ ગૌ હત્યા કરનાર આજીવન કેદની સજાનો આરોપી તેમજ બિન જામીનપાત્ર ગુનો છે. એટલે આ કિસ્સામાં આરોપીઓને આવી કડક સજા થાય એવી માંગ કરી ગૌ હત્યા બંધ ન થાય તો રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
