હળવદના રણમલપુર ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી દૂર કરી દીધા છે. વિવિધ વિકાસ કામો પોતાના દીકરા પાસેથી કરાવી અને તેના નામનું વાઉચર બનાવ્યાનું ખુલ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રણમલપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કામો બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને ન આપી શકે તેમ છતા પોતાના દીકરાના પ્રવીણભાઈને આપી તેના વાઉચર પણ બનાવ્યા હતા. આ અંગેની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચતા તેઓએ તેમને હોદા ઉપરથી તેમજ સભ્ય પદેથી પણ દૂર કરી દીધા છે. હવે સરપંચનો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જાગૃતિબેન આ ગામના સરપંચ હતા. તે વખતે બજેટ મંજુર ન થવા સબબ જિલ્લા વિકાસ અધિકારીએ આખી બોડીને જ સસ્પેન્ડ કરી દીધી હતી. આમ છેલ્લા બે સરપંચ અહીં 5 વર્ષની ટર્મ પૂર્ણ કરી શક્યા નથી.
