Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના પાકમાં વાવણી બાદની કાળજી માટેની માર્ગદર્શિકા જાહેર...

મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના પાકમાં વાવણી બાદની કાળજી માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ કાળજી લેવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર,

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા/ લેડી બર્ડ બીટલ, લીલી પોપટી/ ક્રાયસોપર્લા તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે. જેથી તેમાં જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું.

ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫%/ ૫૦૦ ગ્રામ/ ૧૦ લિટર પાણી અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ./ ૫ ઇ.સી. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ.

વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય, તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૫ લિટર પાણીમાં ભેળવીને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવીને ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવું પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે-તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે-ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.

ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા- પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.

દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે-તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી જોઈએ. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments