Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને રહીશોએ મહાપાલિકામાં રામધૂન બોલાવી

મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને રહીશોએ મહાપાલિકામાં રામધૂન બોલાવી

જાગૃત નાગરિકે અનોખો વિરોધ કરવા છતાં તંત્રએ મચક ન આપતા સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન

મોરબી :મોરબીના શનાળા રોડ પાછળ આવેલ કન્યા છાત્રાલય નજીક આવેલી પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને એક જાગૃત નાગરિકે ગઈકાલે અનોખી રીતે લડતના મંડાણ કર્યા હતા. તેમ છતાં મનપા તંત્રએ આ સોસાયટીના પાણી પ્રશ્ને કોઈ મચક ન આપતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને આજે આ સોસાયટીના સ્ત્રી પુરુષોના ટોળાએ મનપાને જગાડવા માટે મનપા કચેરીમાં બેસી રામધૂન બોલાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી પાણી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી મનપા કચેરીમાં બેસીને રામધૂન બોલાવી ધરણા કરવાની ચીમકી આપી હતી.

પંચવટી સોસાયટીના રહીશો આજે મોરબી મહાનગરપાલિકા કચેરીમાં દોડી જઈને મોરચો માંડ્યો હતો અને લોકોના ટોળાએ કચેરીમાં બેસીને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરતા જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા 13 વર્ષથી પાણી અનિયમિત આવે છે અને છેલ્લા 13 દિવસથી પાણીનું એક ટીપુંય આવતું નથી. આથી સ્થાનિક લોકોને પાણી માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. આથી સ્થાનિક રહીશ ચેતનકુમાર ભીલા મનપા તંત્રને ઢંઢોળવા અનોખી રીતે વિરોધ કર્યો છે.જેમાં તેઓ પોતાના ઘરના પાણીના ખાલી ટાંકામાં બેસીને અન્નજળનો ત્યાગ કરી દીધો હતો. આ કઠોર રીતે ઉપવાસ આંદોલન ચલાવવા છતાં મનપાએ દાદ ન આપતા અંતે રહીશો ઉપવાસીના સમર્થનમાં મનપાએ દોડી જઈને અનોખી રીતે વિરોધ કરવાની ફરજ પડી હતી. આ લડતમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા અને આપે આ પાણી પ્રશ્ને તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કરી ધરણા પ્રદર્શન પર બેસી રહેવા અને જરૂર પડ્યે મનપાને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. તેથી મનપામાં શાંતિનું વાતાવરણ ન ડહોળાઈ તે માટે પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી.

આ અંગે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું કે, પંચવટી સોસાયટીના રહીશોએ પાણીના પ્રશ્ન અંગે સૌપ્રથમ અરજી 18-6-2012ના રોજ નગરપાલિકાને કરી હતી. ત્યારબાદ સમયાંતરે મુખ્યમંત્રી, કલેક્ટર, ચીફ ઓફિસર અને કમિશનરને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી પ્રાણ પ્રશ્ન એવા પાણીના પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. તેથી આજે મહાનગરપાલિકા કચેરીમાં ઘરણાં કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી પાણી પ્રશ્ને અધિકારી દ્વારા લેખિત બાહેંધરી નહીં આપવામાં આવે અને ખાલી કુંડીમાં બેસીને વિરોધ કરી રહેલા ચેતનભાઈને પારણા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી કચેરીમાં બેસીને અમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું અને મહાનગરપાલિકાના દરવાજાને તાળાબંધી પણ કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments