વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં ચાલતા જુગરધામમાં પોલીસે દરોડો પાડી 4 શખ્સોને પકડી પાડ્યા હતા. જો કે 5 શખ્સો નાસી જવામાં સફળ રહેતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળેલ કે કોટડાનાયાણી ગામે રહેતા પરાક્રમસિંહ હાલુભા જાડેજા પોતાના કબ્જા ભોગવટાવાળી કોટડાનાયાણી ગામની ખોખળીયા સીમ વાડીના નાકા તરીકે ઓળખાતી જારીયા ગામ તરફ આવેલ વાડીમાં જુગરધામ ચલાવે છે. જેથી પોલીસે ત્યાં દરોડો પાડતા ત્યાંથી પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ફૈજલભાઈ ખઆરીફભાઈ ગલેરીયા, ડાડામીયા મહોમદ મીયા પીરજાદા અને નેમીત્રભાઈ પીરવભાઈ માણેકને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે વિપુલ ઉર્ફે જાંબુ, જાવીદ મેમણ, ભટ્ટભાઈ તથા બે અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૬૮૧૦/- તથા પાંચ વાહનો મળી કુલ રૂ.૯,૭૧,૮૧૦/- ના મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.