મોરબી : તાજેતરમાં સરકાર દ્વારા ખાતરના ભાવમાં એક બેગ ઉપર રૂપિયા 250નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે ખેડૂતોને પરવડે તેમ ન હોય ત્યારે આ ભાવ વધારો પરત ખેંચવા જિલ્લા કોંગ્રેસે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતરમાં ખાતરના ભાવમાં એક બેગ ઉપર રૂપિયા 250નો વધારો કરી ખેડૂતોને પગભર કરવાને બદલે ખેડૂતોને ડામવાના પ્રયત્નો કરાયા છે. દેશમાં મોટાભાગના લોકો ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. તેવામાં જો મનઘડત રીતે આવા ભાવ વધારા કરી ખેડૂતોને ડામવામાં આવે તો આગામી દિવસોમાં આર્થિક ક્ષેત્રમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. ખાતર સહિતની અનેક ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવ વધારા તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે દિવસેને દિવસે ગામડાના લોકો શહેર તરફ આકર્ષવા લાગ્યા છે. જો આવું અવિરત ચાલુ રહેશે તો આપણી ફળદ્રુપ જમીનો બિનખેડવાણ બની જશે.
વધુમાં ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ જતા સો ટકા પાક નિષ્ફળ ગયેલ છે. તેવામાં આ ભાવ વધારો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ત્યારે ખાતરમાં કરાયેલો આ ભાવ વધારો પરત ખેંચી યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા અંતમાં જણાવાયું છે.