Saturday, August 9, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધાત્મક આદેશ...

મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ ગત તારીખ 21/01/2025 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાજકીય પક્ષ/ ઉમેદવારો/ કાર્યકરો ચૂંટણી પ્રચાર પ્રસાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટાપાયે કરતા હોય છે. જેમાં ખૂબ ઊંચા અવાજમાં પ્રચાર કરતા લાઉડસ્પીકરના ઉપયોગને કારણે ખુબ જ ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડસ્પીકરના બેફામ ઉપયોગ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે ચૂંટણી હેઠળના વિસ્તારમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને ક્લેક્ટર કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના 6 કલાકથી રાત્રિના 10 કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ પર અથવા કોઈપણ પ્રકારના વાહનો પર સક્ષમ અધિકારીનું નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં. તેમજ પરવાનગી મેળવેલા વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે. વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમિટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિએ જે-તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગમાં લેવાયેલ લાઉડસ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે.

આ ઉપરાંત કોઈ પણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના 48 કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. આ જાહેરનામું ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-163 હેઠળની જોગવાઈ અનુસાર આગામી તારીખ 21/02/2025 સુધી મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળના વિસ્તારમાં અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ સજાને પાત્ર બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments