મોરબી : માર્ચ મહિનો નજીક આવતા જ વીજ કંપની દ્વારા બાકી વીજ બિલ નહિ ભરતા અસામીઓ પાસેથી વીજ બીલની રકમ ભરવા સૂચના આપવામાં આવી રહી છે ત્યારે આવા જ એક કિસ્સામાં મોરબીના મકનસર ગામે બાકી વીજ બિલ ભરવાનું કહેવા જનાર બે વીજ કર્મચારીઓ ઉપર હુમલો કરી ત્રણ શખ્સો ધારીયું લઈ મારવા દોડતા ફરજમાં રુકાવટ સહિતની કલમો અંગે ગુન્હો દાખલ થયો છે.
મોરબીના મકનસર ગામે રહેતા આરોપી અશોક બહાદુરભાઈ સારલા વીજ બિલ ભરતા ન હોવાથી પીજીવીસીએલના જુનિયર ઈજનેર મિતભાઈ પ્રવીણભાઈ પટેલ રહે.મોરબી તેમજ સાથી કર્મચારી દસરથસિંહ દિલુભા વીજ બિલ ભરવા અંગે કહેવા જતા જ આરોપી અશોક બહાદુરભાઈ સારલા, આશિષ અશોક સારલા અને પિન્ટુ બહાદુરભાઈ સારલા રહે.નવા મકનસર વાળાઓએ ગાળાગાળી બાદ ઝપાઝપી કરી સાહેદ દસરથસિંહને ઢીકા પાટુનો માર મારી લોખંડનું ધારીયું લઈ મારવા દોડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે જુનિયર ઈજનેર મિતભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો