મોટાભાગના લોકો આશ્રમોમાં જ રોકાયા હોવાથી રહેવા-જમવા સહિતની સારી સગવડ મળી
મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ : ચાલવાની તૈયારી રાખવી અને પ્રયાગરાજ આજુબાજુના રોડનો રૂટ ટ્રાફિકને અનુરૂપ ગમે ત્યારે ડાયવર્ટ કરી દેવાય છે
મોરબી : પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ રીતે રિટર્ન થઈ રહ્યા છે. આ લોકોને કોઈ મોટી અગવડતા પડી નથી. આ પૈકીના મોટાભાગના લોકો આશ્રમોમાં રોકાયા હોવાથી ત્યાં રહેવા અને જમવા સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ મળી હતી.
આ અંગે મહાકુંભથી હાલ જ સ્નાન કરીને પરત આવવા નીકળેલા દીપસિંહ ગઢવીએ જણાવ્યું કે ટ્રાફિક ભયંકર છે. હજુ લોકોની આવક ચાલુ જ છે. હરિદ્વારવાળા ગુરુદેવના આશ્રમમાં હતા. એટલે સુવિધા સારી હતી. અમે આશ્રમથી બહાર જ નીકળ્યા ન હતા. શાહી સ્નાનને પગલે 3 દિવસ માટે 40 કિમિ પહેલા મોટા વાહનો બંધ કરી દેવાયા હતા. અમારા આશ્રમમાં 40 જેટલા મોરબીના લોકો હતા. સુરેન્દ્રનગર પંથકના એક આશ્રમમાં 250 જેટલા લોકો મોરબીના હતા.

ડો. પ્રવીણભાઈ બરાસરાએ જણાવ્યું કે સગવડતા ભર્યો હોય એને પ્રવાસ કહેવાય. અગવડતા ભરી હોય એને જ યાત્રા કહેવાય. કુંભમાં અલૌકિક અનુભૂતિ થઈ. સાવચેતી ન રાખો તો દુર્ઘટનાની શકયતા વધુ છે. લોકોને એ સંદેશો છે કે ઓછામાં ઓછો સમાન લઈ જવાનો. ચાલવાની તૈયારી વધુ રાખવાની. જમવાની વ્યવસ્થા બધે સારી છે. અહીં ઠેક-ઠેકાણે વિવિધતા જોવા મળે છે. કુંભમેળાને જોઈને ચોક્કસ કહી શકાય કે ગરિબ, પૈસા વાળા, ભણેલા અને અભણ બધાને ખેંચીને લાવે તે સનાતન છે.

પલ્લવીબેન દાયતારે જણાવ્યુ કે જીવનનો પહેલો અને છેલ્લો આવો અલૌકિક અનુભવ થયો. કોઈ જાતની તકલીફ નથી પડી. વધુ ટ્રાફિક થાય એટલે એન્ટ્રી અને એક્ઝિટ અલગ કરી નાખી છે. જે લોકો ત્યાં જવા ઈચ્છે છે તેમને 20 કિમિ ચાલવાની તૈયારી રાખીને જવું. આટલા લોકો હોય થોડી તો અગવડતા રહે. ટ્રાફિક વધુ હોવાથી બીજા મંદિરો બંધ કરી દેવાયા હતા. સુતા હનુમાનના દર્શન કરવા હતા પણ ન કરી શક્યા. ત્રણ દિવસ આશ્રમમાં રહ્યા અને ત્રણેય દિવસ સ્નાન કર્યું.

તંત્ર અને નાગરિકો મદદ કરવામાં ગુજરાત જેવા નહિ
મોરબીના ડો.પ્રવીણ બરાસરાએ જણાવ્યું કે ત્યાંનું તંત્ર અને નાગરિકો ગુજરાત જેવા નથી. આપણે ત્યાં કોઈને સારું માર્ગદર્શન આપે, મદદ કરે. પણ ત્યાં એવું નથી. કોઈ સાચી સલાહ ન આપે. કઈ પણ પૂછો માત્ર આગે બઢતે રહો તેમ જ કહે.
શાહી સ્નાનમાં જ બોટના ભાવ ડબલ થયા, બાકી સામાન્ય
મોરબીના દીપસિંહ ગઢવીએ જણાવ્યું કે આમ ત્યાં તમામ વસ્તુઓના ભાવ સામાન્ય છે. લૂંટ-ફાટ જેવું નથી. બોટના ભાવ પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.500 લેતા હતા. શાહી સ્નાન વખતે જ તે ભાવ વધારીને રૂ.1000 કરી દેવામાં આવ્યા હતા.
બીજાને 15 કિમિ ચાલવું પડ્યું, અમારે 5 કિમિ પણ ન ચાલવું પડ્યું
મોરબીના પલ્લવીબેન દાયતારે જણાવ્યું કે બીજા મોરબીના લોકો હતા તેઓને 15 કિમિ ચાલીને આવવું પડ્યું હતું. પણ અમારે 5 કિમિ પણ ચાલવું પડ્યું ન હતું. આમ કઈ નક્કી રહેતું નથી. ટ્રાફિક પ્રમાણે રોડ-રસ્તા ડાયવર્ટ કરી દેવામાં આવે છે અને વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે.