મોરબી: મહાકુંભમાં સદગુરુ રીતેશ્વરજી મહારાજે મોરબીની 8 વર્ષની દીકરી સાથે અનેરો સત્સંગ કર્યો છે. આ દીકરીની કાલીઘેલી ભાષામાં ધર્મ પ્રત્યે જાણવાની ઉત્સુકતાથી સદગુરુ પ્રસન્ન પણ થયા હતા અને આ દીકરીને આશીર્વાદ આપ્યા હતા.
સદગુરુ રીતેશ્વર મહારાજ જેઓ આધ્યાત્મિક અને પ્રેરક વક્તા છે. તેમજ લેખક પણ છે. દેશ-વિદેશમાં તેઓના સેંકડો ફોલોવર્સ છે. મહાકુંભમાં તેઓનો અખાડો છે. અહીં મોરબીના કોલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા પોતાના પરિવાર સાથે ગયા હતા. જ્યાં તેઓ સદગુરુનું પ્રવચન સાંભળી રહ્યા હતા. આ વેળાએ જીજ્ઞેશભાઈની 8 વર્ષની દીકરી રાગી જે હાલ ધો.3માં અભ્યાસ કરી રહી છે. તે પણ સદગુરુનું પ્રવચન સાંભળી રહી હતી.
આટલી નાની દીકરીને રસપૂર્વક પ્રવચન સાંભળતા જોઈને સદગુરુએ દીકરી રાગીને તેની પાસે સ્ટેજમાં બોલાવી હતી. જ્યાં સદગુરુએ રાગી સાથે અંદાજે દોઢ કલાક જેટલો સત્સંગ કર્યો હતો. જેમાં સદગુરુએ રાગીને ધર્મને લગતા 3 સવાલ પૂછવાનું કહ્યું હતું. રાગી સાથે સત્સંગ કરી સદગુરુ પણ પ્રસન્ન થયા હતા. તેઓએ શાહી સ્નાન વેળાએ પણ રાગીને સહપરિવાર આમંત્રણ આપ્યું હતું. આમ બાદમાં રાગીના પરિવારે સદગુરુ સાથે શાહી સ્નાનનો પણ દિવ્ય લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે પારિવારિક માહોલના કારણે રાગી આટલી નાની ઉંમરથી જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે. વધુમાં દોઢેક વર્ષ પૂર્વે વડાપ્રધાન મોદી સાથે પણ રાગીએ વાર્તાલાપ કર્યો હતો. ત્યારે તેને હે ગિરિનંદીની સ્ત્રોત બોલીને વડાપ્રધાન મોદીને મંત્રમુગ્ધ કરી દીધા હતા.




