મોરબી અને રાજકોટ રહેતા મધ્યપ્રદેશના બે શખ્સ પોલીસ ગિરફતમાં, એકનું નામ ખુલ્યું
મોરબી : માળીયા મિયાણામાં સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં – ચોખાની ચોરી કરી બજારમાં વેચવાની પેરવી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા બે શખ્સોને માળીયા મિયાણા પોલીસે ઇકો ગાડી અને ચોરાઉ અનાજ સાથે ઝડપી લઈ સરકારી ગોડાઉનમાંથી અનાજ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ કરી એક શખ્સની સંડોવણી ખોલી ફરાર દર્શાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પીઆઇ અને તેમની ટીમે બાતમીને આધારે સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં – ચોખાની ચોરી કરી બજારમાં વેચવાની પેરવી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને 11 બોરી ચોખા, 4 બોરી ઘઉં, બે મોબાઈલ ફોન તેમજ 4 લાખની ઇકો ગાડી સહિત રૂ.4,42,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ ગુન્હામાં સંડોવાયેલ શનાળા મોરબીના રમેશભાઈ નામના શખ્સનું નામ ખોલાવ્યું હતું. નોંધનીય છે કે, બન્ને આરોપીઓ માળીયા મિયાણાના સરકારી ગોડાઉનમાં માલ ભરવા આવતા ઈસમો પાસેથી જથ્થો મેળવી ખુલ્લા બજારમાં વેચી મારતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે પુરવઠા વિભાગ પણ ઊંડી તપાસ કરે તો જબરું કૌભાંડ ઝડપાઇ તેમ હોવાનું મનાઇ રહ્યું છે.
