હળવદ તાલુકાના નવા દેવળીયા ગ્રામ પંચાયત કચેરીમાં કામ સબબ આવેલા નાગરિક તલાટી સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા હોવાથી સરપંચે શાંતિથી વાત કરવા કહેતા ઉશ્કેરાયેલા નાગરિકે સરપંચને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારાએ આરોપી સુરપાલસિંહ તેજુભા પરમાર રહે.નવા દેવળીયા અને એક અજાણ્યા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે આરોપી પંચાયતમાં આવી તલાટી સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરતા હોય જેથી શાંતિથી વાત કહેવા જણાવતા ઉશ્કેરાયેલ આરોપી સુરપાલસિંહે ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. હાલમાં બનાવ અંગે હળવદ પોલીસે સરપંચની ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.